દમણથી પ્લાસ્ટિક બેગની આડમાં દારૂ ભરી જેતપુર લઈ જવાતો હતો
થાનના ટ્રક ચાલકને દબોચી લઈ દારૂ અને ટ્રક સહિત 49 લાખનો મુદામાલ કબ્જે કર્યો
દારૂ મંગાવનાર થાનનો હરેશ માથાસૂરિયા સહિત 4 શખ્સોની શોધખોળ : આજી ડેમ પોલીસમાં ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
સૌરાષ્ટ્રભરમાં બહારના રાજ્યોમાંથી બેફામ દારૂ ઘૂસાડવામાં આવી રહ્યો છે જો કે તેની સામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પણ એટલી જ એક્ટિવ છે ત્યારે ફરી એકવાર રાજકોટની સ્થાનિક પોલીસ એટલે કે આજી ડેમ પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ખોખળદળ બ્રિજ પાસે દરોડો પાડી એક ટ્રકમાં પ્લાસ્ટિકની બેગની આડમાં જેતપુર તરફ લઈ જવાતો 24.23 લાખનો 4500 બોટલ દારૂ ઝડપી લઈ ટ્રક ચાલકની ધરપકડ કરી હતી જ્યારે દારૂ મંગાવનાર સહિત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
દરોડાની વિગત મુજબ, સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિરલિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કે.ટી. કામરીયાની રાહબરીમાં પીઆઈ પી.પી.બહ્મભટ્ટ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે દમણ તરફથી દારૂ ભરેલ એક ટ્રક રાજકોટ તરફથી જેતપુર તરફ જતી હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે નવા રીંગરોડ પર ટ્રેપ ગોઠવી હતી ત્યારે ખોખળદળ નદીના બ્રિજ પાસે દારૂ ભરેલ ટ્રક પહોંચતા તેને અટકાવી જડતી લેતા અંદરથી પ્લાસ્ટિક બેગની આડમાં દારૂનો મોટો જથ્થો મળી આવતાં પોલીસે ટ્રક ડિટેન કરી આજી ડેમ પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો ગણતરી કરતાં 4500 બોટલ દારૂ મળી આવ્યો હતો એસએમસી ટીમે 24.23 લાખના દારૂ એક ટ્રક સહિત 49 લાખનો મુદામાલ કબ્જે કરી થાનના ટ્રકચાલક રૈયા ભીખા ઈંદરીયા ઉ.38ને દબોચી લઈ પૂછપરછ કરતાં દારૂનો જથ્થો થાનના હરેશ માનસંગ માથાસૂરિયાએ દમણથી મંગાવ્યો હતો અને ટ્રક ઉપલેટાના રમેશ જગમાલ ઘુલનો હોવાનું ખુલ્યું હતું તેમજ દારૂ જેતપુર નજીક પહોંચાડવાનો હોવાની કબૂલાત આપતા આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાવી દારૂ મંગાવનાર, ટ્રક ચાલક, દમણથી દારૂ સપ્લાય કરનાર સહિતના ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે વધુ એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી દારૂનો મોટો જથ્થો પકડી પાડતા આજી ડેમ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.