23મીથી સામાન્ય લોકો દર્શન કરી શકશે: યાત્રાળુઓના પ્રવાહને પહોંચી વળવા ખાસ-આસ્થા ટ્રેનો સહિતની આગોતરી ગોઠવણો
રોશનીના શણગારથી ઝગમગી ઉઠયું રામમંદિર, સુરક્ષાથી માંડીને તમામે તમામ તૈયારીઓને આખરી ઓપ
- Advertisement -
ભગવાન શ્રીરામના જન્મસ્થળ અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામમંદિરમાં સોમવારે ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે પુર્વે રામનગરીએ દિવ્યતા ધારણ કરી લીધી છે. પ્રાણ પ્રતિષ્ઠા પુર્વેની વિધિ ચાલુ જ રહી છે. આજે પ્રભુ શ્રીરામની પ્રતિમાના દેહને શુદ્ધ કરીને પ્રાણ પુરવાની પ્રક્રિયા થઈ હતી અને તેમાં અરણી મંથનથી કુંડમાં અગ્નિ પ્રકટ થઈ હતી. અયોધ્યામાં આજથી જ આમંત્રીતો સિવાયના લોકોને ‘નો-એન્ટ્રી’નો અમલ શરૂ થઈ ગયો છે.
આજથી અસ્થાયી મંદિરમાં રામલલાના દર્શન બંધ થયા છે. વાસ્તુ શાંતિ પૂજા બાદ પ્રતિમાને સિંહાસન પર બિરાજમાન કરવામાં આવી હતી. સામાન્ય લોકો માટે 23મીથી મંદિરમાં દર્શન શકય બનશે. આજે વિહિપના કાર્યકારી અધ્યક્ષ આલોકકુમાર તથા કાશીના સૂર્યકાંત જાલાન યજમાનની ભૂમિકામાં છે. સમગ્ર અયોધ્યામાં દિવ્ય માહોલ રચાયો છે. અમૃત મહોત્સવ લેસર શો યોજવામાં આવ્યો હતો.
દરમ્યાન પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે માત્ર આમંત્રીતોને જ આવવા દેવાના સરકારના નિર્ણયને પગલે મધરાતથી જ નો-એન્ટ્રી લાગુ પાડી દેવામાં આવી હતી. 23મીથી સામાન્ય લોકો માટે રામમંદિર ખુલશે. ત્રણ દિવસ સુધી બહારના લોકોનો પ્રવેશ પ્રતિબંધ રહેશે. સ્થાનિક લોકોને ઓળખકાર્ડ આપવામાં આવ્યા છે.
- Advertisement -
#WATCH | Ayodhya, UP: SSB Jawans deployed outside the residence of Shri Ram Janmabhoomi Teerth Kshetra General Secretary Champat Rai. pic.twitter.com/Sd3BPYEHt6
— ANI (@ANI) January 20, 2024
23મીથી સામાન્ય લોકો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવનાર છે ત્યારે લખનૌ સહિતના શહેરોમાંથી સેંકડો બસો દોડાવવાનું આયોજન કરાયુ છે તેવી જ રીતે રેલવે દ્વારા 300 આસ્થા ટ્રેન દોડાવવામાં આવશે.
એવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામમંદિર ખુલ્લુ મુકાવા સાથે યાત્રાળુઓની સંખ્યામાં 3થી4 ગણી વૃદ્ધિ થઈ શકે છે. યાત્રાળુઓને પરિવહનમાં સરળતા રહે તે માટે બસ-ટ્રેન સહિતની ગોઠવણો કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યજમાનીમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પુર્વે સમગ્ર અયોધ્યાનગરીએ દિવ્ય શણગાર સજયા છે. સમગ્ર શહેર રોશનીથી સજી ગયુ છે અને રામ આયેંગે, આયેંગેના જયઘોષ ગુંજી રહ્યા છે. સોમવારે દેશભરમાંથી મહાનુભાવો, સાધુસંતો, સેલીબ્રીટીઓ હાજર રહેવાના છે. સુરક્ષાથી માંડીને વિમાન પાર્કીંગ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે.
ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ ખુદ પોતે તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. કાર્યક્રમમાં કોઈ કચાશ ન રહે અને અતિ ભવ્ય બને તે માટે ખાસ કાળજી લેવામાં આવી છે. યોગી આદીત્યનાથે કહ્યું કે ઉતરપ્રદેશને પોતાની આતિથ્ય સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો પણ અવસર છે. અમિતાભ બચ્ચન, મુકેશ અંબાણી, સચીન તેંડુલકર સહિત 150 જેટલા આમંત્રીતોને રાજયના અતિથિનો દરજજો આપવામાં આવ્યો છે.