ખેડુતોએ પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવુ પડશે: ઓનલાઈન નોંધણી કરાવાશે
રાજય સરકાર દ્વારા નવેમ્બરથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઈની ખરીદી શરૂ થશે. રાજય સરકાર દ્વારા ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઈની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. 1લી નવેમ્બરથી 15મી જાન્યુઆરી દરમિયાન આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
- Advertisement -
કેન્દ્ર સરકાર દ્વારા કોમન ડાંગર માટે રૂા.2183 પ્રતિ કિવન્ટલ, ગ્રેડ-એ ડાંગર માટે રૂા.2203 પ્રતિ કિવન્ટલ, મકાઈ માટે રૂા.2090 પ્રતિ કિવન્ટલ, બાજરી માટે રૂા.2500 પ્રતિ કિવન્ટલ, હાઈબ્રીડ જુવાર માટે રૂા.3180 પ્રતિ કિવન્ટલ, માલદંડી જુવાર માટે રૂા.3225 પ્રતિ કિવન્ટલ અને રાગી માટે રૂા.3846 પ્રતિ કિવન્ટલ ટેકાના ભાવ નકકી કરવામાં આવ્યા છે. ખરીદી સમયે ખેડુતોએ પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે.
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડુતોએ, 1લી ઓકટોબરથી 31મી ઓકટોબર દરમિયાન ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. સમગ્ર રાજયમાં ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફત પણ ઓનલાઈન નોંધણી કરી શકાશે.
આ નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો 7/12, 8-અની નકલ, ગામ નમુના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીનો સહી સિકકા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત સહિતના સાધનિક પુરાવાઓની નકલ સાથે અરજી કરવાની રહેશે.