સપ્તાહના અંત સુધીમાં સહાય અંગે સરકાર નિર્ણય લે તેવી સંભાવના
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે. જેના પગલે ખેતી પાકમાં મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ બધાની વચ્ચે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુક્સાનનો સરવે કરવા આદેશ આપ્યો છે. પ્રાથમિક સરવે કરીને આગામી બે દિવસમાં કૃષિ વિભાગને અહેવાલ સોંપવામાં આવશે
અત્રે જણાવીએ કે, સપ્તાહના અંત સુધીમાં સહાય અંગે સરકાર નિર્ણય લે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદને પગલે બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે. કેરી, ચીકુ, દાડમ કેળા સહિતના પાકને સોંધ વળી ગયો છે, તો ખેતરમાં પાણી ભરાતા તલ, મગ સહિતના પાકો પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. નિ:સહાય ધરતીપુત્રોની વહારે સરકાર આવી છે, જો કે, કેટલુ રાહત આપે છે આવનાર સમય જ બતાવશે.
ભરઉનાળે વાવાઝોડા અને કરા સાથે થયેલા વરસાદથી અનેક ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોના તૈયાર પાકો જમીન દોસ્ત થતાં લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું છે. બાજરી અને પપૈયાના પાકોને ભારે નુકસાન થતાં ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ખેડૂતોને શાકભાજી, ડાંગર, બાજરી, જુવાર અને ચિકોરીનું વાવેતર કરાયું હતું તે નિષ્ફળ થવા પામ્યું છે. અચાનક વાવાઝોડાં અને વરસાદથી ખેડૂતોએ કરેલી છ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોએ જમીનમાંથી પાકને કાઢી અને તાપમાં સુકવવા માટે પાથર્યો છે જે હવે વેપારી ખરીદશે કે કેમ તે અંગે પણ ખેડૂતો ચિંતામાં મુકાયા છે જેથી સરકાર વહેલી તકે સર્વે કરી સહાય જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.



