ટેન્ટ સિટી ખાતે રિસેપ્શન એરિયા સંપૂર્ણ કચ્છી આર્ટથી તૈયાર કરાયો
ખાસ-ખબર ન્યૂઝ ભુજ
“કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” વિશ્ર્વપ્રસિદ્ધ કચ્છ રણોત્સવની શરૂઆત થઇ ગઇ છે. આગામી 15 માર્ચ, 2025 સુધી દેશ-વિદેશના સહેલાણીઓ કચ્છના મહેમાન બનશે અને મીઠાના રણનું અદભુત કુદરતી સૌંદર્ય, ટેન્ટ સિટીમાં રહેવાની મજા, લોકસંસ્કૃતિ, પરંપરાગત ભોજનનો આનંદ માણશે.
નવેમ્બર મહિનાથી કચ્છના સફેદ રણ ધોરડોમાં રણોત્સવનો આરંભ થાય છે આ વખતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા દિવાળી બાદ એટલે કે 11 નવેમ્બરથી રણોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. આ વર્ષે રણોત્સવ 124 દિવસ માટે યોજાશે.
- Advertisement -
ધોરડોમાં સફેદ રણમાં જવા માટે પ્રવાસી પાસેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટોકન ફી લેવામાં આવે છે. જેમાં બીએસએફ ચેકપોસ્ટ પહેલાં ટિકિટ કાઉન્ટર પરથી પરમિટ લેવાની હોય છે. એક વ્યક્તિદીઠ રૂ.100 ફી લેવામાં આવે છે ઉપરાંત વાહન માટે તો ભીરંડિયારા પાસે જ ફી ભરવાની હોય છે. પ્રવાસીઓનો પ્રવાહ હોય ત્યારે ટિકિટ કાઉન્ટર પર ભીડ થાય છે જે ટાળવા આ વખતે નવાં 4 કાઉન્ટર પણ ઊભાં કરવામાં આવ્યાં છે.
આ અંગે રણોત્સવનું સંચાલન કરતી લલુજી એન્ડ સન્સ કંપનીના પ્રવક્તા અમિત ગુપ્તાએ કહ્યું કે આ વર્ષે સ્થાનિક કચ્છી હસ્તકળાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને ટેન્ટ સિટી ખાતે રિસેપ્શન એરિયા સંપૂર્ણ કચ્છી આર્ટથી તૈયાર કરાયો છે, સંકુલ વચ્ચે કચ્છી સંસ્કૃતિ દર્શવતા ભૂંગાઓ બનાવાયા છે. આ સિવાય ગોબરના લીંપણ અને ઘાસ વડે તૈયાર કરતી ઝાંખીઓ ભૂંગામાં દર્શાવાઇ છે. આ તમામ હસ્તકલાની કૃતિઓ સાથે રણોત્સવનો પ્રારંભ કરાયો છે. પ્રથમ દિવસથી જ દેશવિદેશના પ્રવાસીઓનું આગમન થઈ રહ્યું છે. તેમાં આગામી ફૂલમૂનનો નજારો જોવા અત્યારથી જ બુકિંગ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અંગે મહેફિલે રણ રિસોર્ટના માલિક સલામ હાસમ હાલેપોતરાએ કહ્યું કે ભુજ ખાવડા રોડ પરના ભીરન્ડિયારા ગામથી લઈ છેક ધોરડો સુધીના વિસ્તારમાં સફેદ રણ નિહાળવા આવતા પ્રવાસીઓને ખાનગી રિસોર્ટ અને હોમ સ્ટેની સંપૂર્ણ સુવિધા મળી રહે છે. અહીં બે વ્યક્તિ માટે એક દિવસ અને એક રાત્રિના રૂ.2500થી લઈ રૂ 6 હજાર સુધીમાં રહેવા જમવા સહિતની સુવિધા મળી રહે છે. પ્રવાસીઓ પાસેથી મેળવાતી આ પરમિટ ફીની આવકમાંથી સ્થાનિક તંત્ર દ્વારા વિવિધ સુવિધા ઊભી કરવાનાં કાર્યો કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ અહીં વોલ્વો બસ શરૂ કરવાની પણ વિચારણા છે. આ દરમિયાન ભુજથી ધોરડો સુધી સરકારી એસટી દોડાવવાનું પણ આયોજન છે. દરમિયાન બીએસએફ ચેકપોસ્ટથી વોચ ટાવર સુધી 2 કિલોમીટરના માર્ગ પર ઊંટગાડી ચાલે છે તેઓનો રસ્તો અલગ બનાવવાની પણ વાત છે જોકે આ તમામ બાબતોનું અમલીકરણ હવે થશે.
ગત વર્ષે 7.42 લાખ પ્રવાસીમાંથી 4.26 લાખએ રાત્રિ રોકાણ કર્યું હતું
પ્રવાસન વિભાગના કહેવા પ્રમાણે ગત વર્ષ 2023-24માં 7.42 લાખ પ્રવાસીઓ ધોરડો રણોત્સવ જોવા આવ્યા હતા. જેમાંથી 4.26 લાખ પ્રવાસીઓ રાત્રિના રોકાયા હતા તે પૂર્વે વર્ષ 2022-23માં કુલ 3.45 લાખ પ્રવાસીની સંખ્યા નોંધાઇ હતી જેમાં રાત્રિનો નજારો 1.06 લાખ પ્રવાસીઓએ જ માણ્યો હતો. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ટેન્ડરથી અપાતી ટેન્ટ સિટીમાં બેફામ ભાડા ઉઘરાવવામાં આવે છે જેનાથી પ્રવાસીઓમાં કચવાટ પણ જોવા મળે છે.