રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી: 35 મંજૂર, 3 પેન્ડિંગ અને 3 રિન્ટેન્ડર થશે
કુલ 8.74 કરોડના વિકાસકામોને બહાલી અપાઈ, મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો ઉગાડાશે, ઢોર પકડવા માટે ટ્રેક્ટર ખરીદાશે, રેલનગરમાં બગીચો બનશે, ભયગ્રસ્ત મકાનોનો સર્વે થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 35 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. જ્યારે 3 દરખાસ્તો પેન્ડિંગ અને 3ને રિટેન્ડર કરાશે. કુલ 8.74 કરોડના કામોને બહાલી મળી છે. જેમાં વોર્ડ નં. 11 તેમજ 12માં ભુગર્ભ લાઇન અને હાઉસ કનેક્શન ચેમ્બરના કામ, ઢોર પકડ ટીમ માટે બે નવા ટ્રેક્ટર, જુદા જુદા વોર્ડના મિત્ર મંડળો અને સખી મંડળોની ગ્રાન્ટમાં વધારો કરવા, કર્મચારીઓની હાજરી માટે બાયોમેટ્રીક મશીન ખરીદવા, જુદા જુદા કાર્યક્રમોના ખર્ચ, ખાનગી એજન્સી કર્મચારીઓની મુદતમાં વધારો કરવા, વોર્ડ નં.3માં નવો ગાર્ડન, પાઇપ વિભાગ માટે નવા સાધનો ખરીદવા, જુના વાહનોના ભંગારમાં વેંચાણ, આંગણવાડી, પેવિંગ બ્લોક, મેટલીંગ સામેલ છે. આ દરખાસ્તોને મંજૂર કરવામાં આવી છે. સાથે જ સરકારી અને ખાનગી ભયગ્રસ્ત મકાનોના સર્વે અને રીપોર્ટ માટે સ્ટ્રક્ચર ઇજનેરની નિમણૂક કરવા કરવામાં આવી છે. સાવન કાકડીયા એસોસિયેટ્સને પ્રતિ ચો.મી. 40 રૂૂપિયાના ભાવે રહેણાંક અને વાણિજ્યક ઈમારતનો સર્વે કરાશે. જ્યારે ચોમાસા દરમિયાન રસ્તા પર ખાડા પડ્યા છે તેને 1.16 કરોડના ખર્ચે બુરવામાં આવશે. ઢોર પકડ શાખા 12.20 લાખના ખર્ચે 2 નવા ટ્રેક્ટર ખરીદશે. મહાનગરપાલિકાના કર્મચારીઓની હાજરી પુરવા માટે 49.40 લાખના ખર્ચે બાયોમેટ્રિક મશીન ખરીદાશે.
સખીમંડળોની ગ્રાન્ટ વધારાશે, મવડી વિસ્તારમાં આવેલા બાળકોના સ્મશાનગૃહનું સંચાલન શ્રી મોટામવા ઓમકાર ટ્રસ્ટને સોંપવામાં આવશે. વોર્ડ નં-3માં રેલનગરમાં 90.44 લાખના ખર્ચે બગીચો બનાવવામાં આવશે. વોર્ડ નં.11માં સ્પીડવેલ ચોકથી ઠાકર ચોક સુધી ફૂટપાથ તથા સાઈડ સોલ્ડરમાં 99 લાખના ખર્ચે પેવિંગ બ્લોક નખાશે. ઝૂના પ્રાણીઓ માટે લીલાચારા, લીલા શાકભાજી, ફળ સપ્લાય કરતી કંપનીનો 28 લાખનો કોન્ટ્રાક્ટ મંજૂર કરાયો છે. કુંભારવાડામાં 14.92 લાખના ખર્ચે આંગણવાડી બનશે. વોર્ડ નં-9માં મહાલક્ષ્મીનગરમાં 16.59 લાખ અને નિલકમલ પાર્કમાં 12.44 લાખ, સરસ્વતીનગર અને શ્રીજી પાર્કમાં 24.57 લાખના ખર્ચે પેવીંગ બ્લોક નખાશે. વોર્ડ નં-12માં વાવડીમાં પીજીવીસીએલ ઓફીસથી આવાસ યોજના સુધી 67.41 લાખના ખર્ચે નવો ડામર રોડ બનશે. શહેરમાં સુવ્યવસ્થિત વાહનના પાર્કિંગ માટે ખુલ્લી અને જાહેર જગ્યાઓ પર નવા પે એન્ડ પાર્કિંગની જગ્યા ફાળવવા પણ કમિશનરે દરખાસ્ત મોકલી છે. જેમાં કુલ 56 પે એન્ડ પાર્ક સાઈટો માટે ટેન્ડર બહાર પાડ્યું હતું પરંતુ હાલ આ દરખાસ્તને રિટેન્ડર કરાશે. જ્યારે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવેલા સ્ટીકર અને તિરંગા પટ્ટીની દરખાસ્તને પેન્ડિંગ રખાઈ છે. મહાનગરપાલિકાના જૂના વાહનોના સ્ક્રેપ વેચીને 6.95 લાખની
આવક કરશે.
કાલાવાડ રોડ કપાતની દરખાસ્ત પેન્ડિંગ
કાલાવડ રોડને મોટા મવા ગામતળથી છેક ન્યારી ડેમના ખુણા સુધીનો રોડ લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ 30 મીટરમાંથી 45 મીટર એટલે કે 150 ફુટ રોડનો કરવા માટેની દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે. આ મેઇન રોડ પર 44 જેટલા ખાનગી આસામીઓની જમીન કાપવાની છે અને તેના બદલામાં લાગુ સર્વે નંબરમાં જમીન આપવા કાર્યવાહી થઇ છે. ટીપી શાખાએ તમામ ઔપચારિકતા પૂરી કરી લીધી છે. પરંતુ ત્રણ ચાર આસામીએ કપાતના બદલામાં વધુ જમીન અથવા વધુ સારી જગ્યાએ જમીનની માંગણી મુકી છે. આથી આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે.
- Advertisement -
ઢોર નિયંત્રણ માર્ગદર્શિકા- 2023ની દરખાસ્ત પેન્ડિંગ
પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ માર્ગદર્શિકાની દરખાસ્તને હાલ પેન્ડિંગ રખાઈ છે. આ દરખાસ્ત મુજબ રખડતા ઢોર પકડાયા બાદ તેને છોડાવવા માટેનો દંડ ત્રણ ગણાની જોગવાઈ છે. હાલ ઢોર પકડાય તેના માલિકને એક હજારનો દંડ કરવામાં આવે છે. જે હવે ત્રણ હજાર કરવામાં આવશે. બીજી વખત આ જ ઢોર પકડાય તો દોઢો અને ત્રીજી વખત બમણો દંડ કરવાની જોગવાઇ છે. જો કે, મનપા તંત્ર માલધારી સમાજ સાથે બેઠક કરીને આ અંગે નિર્ણય લેશે.
મિયાવાકી પદ્ધતિથી થીમ ફોરેસ્ટ બનશે
શહેરના જુદા જુદા વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી થીમ ફોરેસ્ટ બનાવવામાં આવશે. જેનો કોન્ટ્રાક્ટ ચાર વર્ષની નિભાવણી સાથે સદભાવના વૃદ્ધાશ્રમને અપાયો છે. જેમાં ચો.મી. દીઠ મનપા 640 ચૂકવશે. આ સિવાય ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ માટેની દરખાસ્ત પણ મંજૂર કરાઈ છે.