સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પેટ્રોલપંપની જમીનનો ભાવ ઓછો લાગતા દરખાસ્ત નામંજૂર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા કચેરીએ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર સહિત જુદી-જુદી 42 દરખાસ્ત અંગે ચર્ચા કરવામાં આવી હતી અને 56.61 કરોડનાં વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં શહેરનાં સ્મશાનો માટે જરૂરી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી. જોકે ગત બેઠકમાં પેન્ડિંગ રાખવામાં આવેલી પેટ્રોલપંપની દરખાસ્તમાં જમીનનો ભાવ 60 હજાર ઓછો લાગતા આજે આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, આજની બેઠકમાં વિવિધ 42 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જેમાં રાજકોટનાં તમામ સ્મશાનોને કોર્પોરેશન દ્વારા સમયાંતરે અપાતી ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્ત પણ સામેલ છે. ગત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 4 નંબરની દરખાસ્ત પેન્ડિંગ રખાઈ હતી. જેમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનને મનપા દ્વારા 60 હજાર રૂપિયા લેખે જમીન ફાળવવા જણાવ્યું હતું. આ દરખાસ્તને આજે જમીનનો ભાવ ઓછો લાગતા તેમજ કેટલીક વિસંગતતાઓ જણાતા નામંજૂર કરવામાં આવી હતી.
તો બીજી તરફ કેટલાક સ્મશાનોને ઓછી ગ્રાન્ટ ફાળવવાનાં આરોપ અંગે તેમણે જણાવ્યું હતું કે, આવી વાતમાં કોઈ તથ્ય નથી. રાજકોટનાં તમામ સ્મશાનગૃહોને માંગવામાં આવેલી ગ્રાન્ટ ફાળવાઈ છે. જોકે કેટલાક સ્મશાનગૃહનો ઉપયોગ ખૂબ ઓછો હોવાથી તેને ધ્યાનમાં લઈને આ પ્રકારના સ્મશાનગૃહોને તેની ડિમાન્ડ કરતા ઓછી ગ્રાન્ટ આપવાની ફરજ પડી છે. જોકે સ્મશાન માટે જરૂરી ગ્રાન્ટ માટે ક્યારેય કોઈપણ પ્રકારની કરકસર કરવામાં આવતી નથી અને ભવિષ્યમાં પણ આવી જરૂરી બાબતો માટે તમામ જરૂરી સહાય પુરી પાડવામાં આવશે.\\
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજની બેઠકમાં વોર્ડ નં.12ના વાવડી ગામતળ તેમજ લાગુ મેઇન રોડ પર સિમેન્ટ કોંક્રીટ કરવા અંગે દરખાસ્ત આવી છે. 1.50 કરોડનું એસ્ટીમેટ બહાર પાડવામાં
આવ્યું હતું. અંદાજે 5856 ચો.મી. તેમજ 488 રનીંગ મીટર (અર્ધો કિ.મી.) વિસ્તારના માર્ગને સિમેન્ટથી મઢવામાં આવશે. આ રોડ પર ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તાર આવેલા છે. આ દરખાસ્ત મંજૂર થતાં વિસ્તારના 6 હજાર લોકોને સિમેન્ટ રોડનો લાભ મળશે. કોર્પો.એ ટેન્ડર બહાર પાડતા 2 ટકા ઉંચા ભાવથી ક્રિએટીવ એન્ટરપ્રાઇઝે કામ કરવા તૈયારી દર્શાવતા 1.53 કરોડના ખર્ચે કામ કરવાનો પ્રસ્તાવ સ્વીકાર કરવામાં આવ્યો છે.
- Advertisement -
ક્યાં ક્યાં વિસ્તારની દરખાસ્તો મંજૂર
આ ઉપરાંત વોર્ડ નં.12માં જ આવેલી અંકુરનગર સોસાયટીથી 150 ફુટ રીંગરોડ સુધીના રસ્તાને સિમેન્ટ કોંક્રીટનો કરવા 35 લાખનું ટેન્ડર બહાર પડાયું હતું. 1106 ચો.મી.માં થનાર કામનો અઢી હજાર લોકોને લાભ મળે તેમ છે. ટેન્ડરમાં 2 ટકા ઉંચા ભાવની ઓફર આવતા કોન્ટ્રાક્ટર શિવસાંઇ ક્ધસ્ટ્રક્શનને કુલ 35.68 લાખમાં કામ આપવા દરખાસ્ત તેમજ અમૃત યોજના હેઠળ વોર્ડ નં.11માં ભુગર્ભ પાઇપલાઇન, વોર્ડ નં.11માં 150 ફુટ રોડ અને અન્ય ટીપી રસ્તા પર ડ્રેનેજ લાઇન, અને મુંજકા, મોટા મવામાં ડ્રેનેજ લાઇન, રૈયાધારથી બજરંગવાડી હેડવર્કસ સુધી એમએસ પાઇપલાઇન, વોર્ડ નં.12માં મવડીમાં ડીઆઇ પાઇપલાઇનના કામ સહિતની દરખાસ્તો મંજુર કરવામાં આવી છે.