વીજળીનો તાર પડતા કરંટ લાગવાની અફવા બાદ ધક્કામુક્કી થઇ હતી
ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા પ્રખ્યાત મનસા દેવી મંદિરે ધક્કામુક્કીમાં આઠ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા હતા. શ્રદ્ધાળુઓ મંદિર તરફ જઇ રહ્યા હતા ત્યારે અચાનક જ તેમના પર વીજળીનો તાર પડવાની અફવા ફેલાઇ હતી, જેને પગલે બાદમાં તમામ શ્રદ્ધાળુઓ જીવ બચાવવા માટે ધક્કામુક્કી કરીને ભાગવા લાગ્યા. આ નાસભાગમાં આઠ લોકોએ જીવ ગૂમાવ્યો છે જ્યારે અન્ય 35થી વધુ લોકો ઘાયલ થઇ ગયા છે. જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલો છે.
- Advertisement -
હરિદ્વારના એસએસપી પ્રમેન્દ્રસિંહ દોબલે કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વીજળીનો ચાલુ તાર પડવાની અફવાથી નાસભાગ થઇ હતી. તેમ છતા અમે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છીએ. આશરે 35 ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. ઘટનામાં ઇજાગ્રસ્ત એક શ્રદ્ધાળુએ કહ્યું હતું કે મંદિરથી માત્ર 25 પગથીયા દૂર ટોળુ કાબુ બહાર જતુ રહ્યું હતું. જેને કારણે હું અને અન્ય 10થી 12 જેટલા શ્રદ્ધાળુઓ એકબીજા પર પડયા હતા. મારા પરિવારના બે લોકો હજુ પણ ગૂમ છે. જે આશરે આઠ લોકો માર્યા ગયા છે તેમાં બે 60 વર્ષથી વધુ વયના, એક છ વર્ષનું બાળક, અને અન્ય યુવા વયના લોકોનો સમાવેશ થાય છે. કોઇએ અફવા ફેલાવી દીધી કે કરંટ લાગ્યો છે, વીજળીનો તાર પડયો. પછી ભીડ બેકાબુ થઇ ગઇ અને એકબીજાને કચડીને આગળ વધી ગઇ. બીજી તરફ મનસા દેવી ટ્રસ્ટના અધ્યક્ષ મહંત રવીંદ્ર પુરીએ કહ્યું હતું કે મંદિરની અંદર કોઇના લપસી જવાને કારણે આ નાસભાગ થઇ હતી, વીજળીનો તાર પડવાની અફવાને કારણે નહીં. તેમ છતા પોલીસ હાલ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સહિતના લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.



