જળાભિષેક દરમિયાન વીજકરંટ લાગવાથી દુર્ઘટના, 29ને ઇજા: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા મૃતકોના પરિવારજનોને 5 લાખની સહાયની જાહેરાત
ખાસ-ખબર ન્યૂઝ ઉત્તરપ્રદેશ
- Advertisement -
શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે યુપીના બારાબંકીમાં આવેલા અવસાનેશ્ર્વર મહાદેવ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે મહિલાઓ અને બાળકો સહિત 29 લોકો ઘાયલ થયા હતા. સોમવારે સવારે 2 વાગ્યે જળાભિષેક દરમિયાન મંદિર પરિસરમાં અચાનક વીજ કરંટ ફેલાઈ જવાને કારણે આ અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ રમેશ કુમાર (35) અને પ્રશાંત કુમાર (16) તરીકે થઈ છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અવસાનેશ્ર્વર મંદિર જિલ્લા મુખ્યાલયથી 40 કિમી દૂર છે. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હૈદરગઢ અને ત્રિવેદીગંજ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (ઈઇંઈ) મોકલવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ડીએમ શશાંક ત્રિપાઠીએ જણાવ્યું હતું કે- કેટલાક વાનરો ઇલેક્ટ્રિક વાયર પર કૂદી પડ્યા હતા, જેના કારણે વાયર તૂટી ગયો હતો અને મંદિર પરિસરના ટીન શેડ પર પડ્યો હતો. જેના કારણે કરંટ ફેલાયો હતો અને નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી.
સીએમ યોગીએ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાના નિર્દેશ આપ્યા છે.