ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર
આઉટસોર્સ કર્મચારી લાંચ લેતો કેમેરામાં કેદ: ફાઈલ આગળ વધારવાના ₹5,000 ફિક્સની માગણી કરી
- Advertisement -
વિડીયોમાં ₹2,000 રોકડ સ્વીકારતો કર્મચારી નજરે પડે છે: સોશિયલ મીડિયામાં કર્મચારીનો આ વિડીયો વાયરલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં કાર્યરત નાયબ કલેક્ટર કચેરી (ગ્રામ્ય વિભાગ-2) હેઠળના સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો એક સનસનાટીભર્યો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વહીવટી તંત્રમાં ચકચાર મચી ગઈ છે. એક જાગૃત નાગરિક દ્વારા ગુપ્ત રીતે ઉતારવામાં આવેલા આ વીડિયોમાં સરકારી કામ માટે અરજદારો પાસેથી ખુલ્લેઆમ લાંચ લેવામાં આવતી હોવાની હકીકત સામે આવી છે. વાયરલ વીડિયોમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગનો એક આઉટસોર્સ કર્મચારી અરજદાર પાસે કામ પૂરું કરવા માટે રૂ. 5,000ની માંગણી કરતો સ્પષ્ટપણે જોવા મળે છે. એટલું જ નહીં, વીડિયોમાં તે રૂ. 2,000 રોકડ સ્વીકારતો પણ નજરે પડે છે, જે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને સમર્થન આપે છે. અરજદારોના જણાવ્યા મુજબ, આ વિભાગમાં કોઈપણ ફાઈલ આગળ વધારવી હોય તો રૂ. 5,000ની ‘ફિક્સ રકમ’ વસૂલવામાં આવે છે. આ પ્રથાના કારણે સામાન્ય નાગરિકો આર્થિક અને માનસિક રીતે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. સરકારી સેવા માટે ફરજિયાત ચૂકવણી સિવાયની આ ગેરકાયદે વસૂલીથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે.
વિડિયોમાં આઉટસોર્સ કર્મચારી માત્ર પોતાનું નામ જ નહીં પરંતુ અન્ય સહકર્મચારીઓ અને અધિકારીઓની સંડોવણી તરફ પણ ઈશારો કરે છે. વાતચીત દરમિયાન તે અન્ય વ્યક્તિનો ઉલ્લેખ કરી જણાવે છે કે આ વસૂલાતમાં ભાગીદારી વહેંચવામાં આવે છે. આ ખુલાસા બાદ હવે સવાલ ઊભો થયો છે કે આ ભ્રષ્ટાચારના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને તેમાં કોણ-કોણ સંકળાયેલું છે?
સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે આવા આઉટસોર્સ કર્મચારીઓની આવક જિલ્લા કલેક્ટરના પગાર કરતા પણ વધારે હોઈ શકે. આ પરિસ્થિતિએ સરકારી તંત્રની કાર્યપદ્ધતિ સામે ગંભીર પ્રશ્ર્નો ઊભા કર્યા છે. હાલમાં સમગ્ર મામલે કડક તપાસ અને દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હવે જોવાનું એ રહેશે કે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર આ વીડિયોના આધારે નિષ્પક્ષ તપાસ હાથ ધરી જવાબદાર સામે કડક પગલાં લે છે કે પછી મામલો ફરી એકવાર દબાઈ જશે.
- Advertisement -
આ ભ્રષ્ટાચારના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને તેમાં કોણ-કોણ સંકળાયેલું છે? તપાસ જરૂરી
કલેક્ટર તંત્ર સંલગ્ન કચેરીઓમાં ભ્રષ્ટાચારનો ભયંકર સડો
સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડોના કિસ્સાઓ સમયાંતરે બહાર આવતા રહે છે, ખાસ કરીને કલેક્ટર તંત્ર સંલગ્ન કચેરીઓમાં ભ્રષ્ટાચારનો ભયંકર સડો વ્યાપી ગયો છે. જમીન બિનખેતી (ગઅ) કરાવવી, પ્રીમિયમ ભરવા કે જમીનના ટાઈટલ ક્લિયરન્સમાં મોટા પાયે નાણાંની લેતીદેતી થતી હોય છે. આ સિવાય પુરવઠા વિભાગ હેઠળના રેશનિંગ કાર્ડના કામો કે દુકાનદારો સાથેની સાંઠગાંઠમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. અહીં મહત્વના નિર્ણયો લેવાની સત્તા અમુક ચોક્કસ સ્તરે જ હોવાથી ત્યાં ‘તોડ-પાણી’ કરવાની તક વધી જાય છે. પરિણામે ભ્રષ્ટાચારને કારણે લાયક લોકોના કામ અટકે છે અને નાણાં ખર્ચનારાઓના ખોટા કામો પણ સરળતાથી થઈ જાય છે.
રાજકોટ કલેક્ટર કચેરીનો લાંચિયો આઉટસોર્સનો કર્મચારી માવો ખાઈ બારીમાંથી બહાર થૂંકતો નજરે પડે છે
રાજકોટની જૂની કલેક્ટર કચેરી ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં નાયબ કલેક્ટર કચેરી (ગ્રામ્ય વિભાગ-2) હેઠળ કાર્યરત એક આઉટસોર્સ કર્મચારીની બેદરકારીભરી અને અસ્વચ્છ વર્તણૂક સામે આવી છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કર્મચારી ચાલુ ઓફિસ દરમિયાન માવો ખાઈ રહ્યો છે અને બાદમાં બારીમાંથી બહાર થૂંકી રહ્યો છે. એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈને મોટા મોટા દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ સરકારી કચેરીઓમાં જ આવા દ્રશ્ર્યો સામે આવતાં તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. કચેરી જેવી જાહેર જગ્યાએ આવી અસ્વચ્છ પ્રવૃત્તિ માત્ર શિસ્તભંગ જ નહીં પરંતુ જાહેર આરોગ્ય માટે પણ જોખમરૂપ બની શકે છે. આ પ્રકારની અસ્વચ્છતા અને બેદરકારી દાખવનાર કર્મચારી સામે કડક શિસ્તાત્મક કાર્યવાહી કરવામાં આવે અને સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અને શિસ્ત અંગે કડક માર્ગદર્શિકા અમલમાં મુકવામાં આવે તે જરૂરી છે.
સરકારી કચેરીઓમાં પૈસા વિના પાંદડું પણ હલતું નથી!
કલેક્ટર તંત્ર એ વહીવટી તંત્રની ધરી સમાન છે, પરંતુ કમનસીબે આજે આ કચેરીઓ ભ્રષ્ટાચારના ભરડામાં હોવાની બૂમો વ્યાપક બની છે. પ્રજાના કામો માટે બનેલી આ સંસ્થાઓમાં ’પૈસા વગર પાંદડું પણ નથી હલતું’ એવી છાપ ઉપસી રહી છે. કચેરીઓની બહાર અને અંદર સક્રિય ’એજન્ટો’ સામાન્ય નાગરિકો અને અધિકારીઓ વચ્ચેની કડી બનીને લાંચનું નેટવર્ક ચલાવે છે. સરકારી નિયમો અને કાયદાઓની જટિલતાને કારણે સામાન્ય માણસ ગભરાય છે, જેનો ફાયદો ઉઠાવી કામ ઝડપથી પતાવવાના નામે પૈસા પડાવવામાં આવે છે.



