જૂનાગઢમાં દીપાવલીનો અનેરો ઉત્સાહ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દીપાવલી પર્વ નજીક આવતા જૂનાગઢ શહેરના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પર્વને હર્ષોલ્લાસથી મનાવવા માટે શહેરની બજારોમાં રોનક જામી છે અને અવનવા રંગોની આભા છવાઈ છે. દીવાળી અને નૂતન વર્ષના આગમનને લઈને લોકો પોતાના ઘરોને શણગારવા માટે ઉત્સુક છે. શહેરની મુખ્ય બજારોમાં ઘરોને રોશનીથી ઝગમગાવવા માટે અવનવી રંગબેરંગી લાઇટો અને સીરીઝો જોવા મળી રહી છે, જેની ખરીદી માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારમાં ઘર આંગણે રંગોળીનું અનેરું મહત્વ હોય છે, જેને લઈને લોકો રંગોળીના સામાનની ખરીદીમાં વ્યસ્ત છે. સાથે જ, બજારોમાં ફટાકડાના સ્ટોલ પણ લાગી ગયા છે.
- Advertisement -
જેમાં નાના બાળકોથી લઈને સૌ કોઈ માટે અવનવા અને સુરક્ષિત ફટાકડા બજારમાં આવી ગયા છે. ખાસ કરીને, માંગનાથ રોડ, હવેલી ગલી સહિત ઝાંઝરડા રોડ દિવાળીના તહેવારમાં ખરીદીને કારણે ઝગમગી ઉઠ્યા છે અને વાતાવરણ ઉત્સવમય બની ગયું છે.