ગત વર્ષ કરતા મુસાફરો 30000 વધ્યા તો આવકમાં 14 લાખનો વધારો
રાજકોટ, મોરબી, સુ.નગર જિલ્લામાંથી જતી એસટી બસોમાં મુસાફરોની ભીડ જોવા મળી
અમદાવાદ, દ્વારકા અને સોમનાથ સહિતના રૂટની બસમાં 33.97 લાખ લોકોએ મુસાફર કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજકોટ એસટી વિભાગને ઉનાળુ વેકેશન ફળ્યું હોય તેમ રૂ. 20.45 કરોડની આવક થઈ છે. રાજકોટ એસટી વિભાગ દ્વારા કુલ 58000 ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેમાં પોણા બે માસમાં જ 33.97 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે. જે ગત વર્ષની તુલનાએ 30,000 વધુ છે. જ્યારે ઉનાળુ વેકેશનની આવક જે ગત વર્ષે રૂ. 20.31 કરોડ હતી, જેમાં આ વર્ષે 14 લાખનો વધારો થયો છે. વેકેશન દરમિયાન રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી લોકો હરવા ફરવા માટે સસ્તી અને સલામત ગણાતી એસટી બસની સવારી કરે છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, દ્વારકા, સોમનાથ, ભાવનગર, ભુજ અને અમરેલી રૂટ પર મુસાફરોની વધુ જોવા મળે છે. ઉનાળુ વેકેશન રાજકોટ એસટી વિભાગની દૈનિક આવક પણ રૂ. 60 લાખથી વધી રૂ.70 લાખ થઈ ગઈ છે.
રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યું હતું કે, ઉનાળુ વેકેશન દરમિયાન મુસાફરોની એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર-જવર વધુ રહેતી હોય છે, જેને ધ્યાને લઈ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલું હતુ. વર્ષ 2024ની તૂલનામાં 2025માં આવકમાં રૂ. 13 લાખથી વધુનો વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 30,000 મુસાફરોએ વધુ મુસાફરી કરી છે. આ ઉપરાંત 58000 ટ્રીપોનું સંચાલન થયું છે.
રાજકોટથી અમદાવાદ, સુરત, વડોદરા, અમરેલી, ભાવનગર તરફ ઉપરાંત દ્વારકા અને સોમનાથ તરફ એકસ્ટ્રા બસોનુ સંચાલન કરેલું છે. રાજકોટ એસટી ડિવિઝનના અલગ-અલગ ડેપો પરથી 60 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવેલી છે. ઉનાળુ વેકેશન દરમિયાન વર્ષ 2024માં એસટી વિભાગને કુલ આવક રૂ. 20.31 કરોડ જેટલી થઈ હતી. તો તેની સામે વર્ષ 2025માં 20.45 કરોડ જેટલી આવક થઈ છે.
- Advertisement -
રાજકોટ એસટી વિભાગ હેઠળ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો આવે છે. જ્યાં દરરોજ 550 જેટલી બસો દોડાવવામાં આવે છે. આ દરમિયાન રાજકોટ એસટી વિભાગ દ્વારા ઉનાળાના વેકેશનમાં 60 એક્સ્ટ્રા બસોનું પણ સંચાલન કરવામાં આવેલ હતું. જેના થકી ગત વર્ષની તુલનામાં આ વર્ષે કમાણીમાં રૂ. 13.70 લાખનો વધારો થયો છે.
એક્સ્ટ્રા સંચાલન થકી એસટી વિભાગને આવક
વર્ષ આવક મુસાફરોની સંખ્યા
2024 રૂ.13.23 લાખ 12389
2025 રૂ. 19.62 લાખ 19624