સાંઢિયા પુલ પરથી વાહનો બંધ કરાતા બસે 4 કિ.મી. ફરીને જવું પડશે
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલની મરમ્મતને લઈને હાલમાં ભારે વાહનો માટે અવરજવર બંધ કરવામાં આવી છે ત્યારે આ રૂટ ઉપરથી પસાર થતી મોરબી, ભુજ, જામનગર અને દ્વારકા રૂટની એસ.ટી બસ હવે રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ થઇને જે-તે રૂટ પર જશે. રૂટ બદલવાથી એસ.ટી. બસને ચાર કિલોમીટર ફરીને શહેરની બહાર નીકળવું પડશે.
- Advertisement -
કિલોમીટર વધી જવાને કારણે એસ.ટી. તંત્રએ આ જુદી જુદી રૂટની બસના ભાડામાં પણ રૂ. 6 સુધીનો વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટથી આ રૂટ ઉપર દરરોજ અંદાજિત 70થી વધુ બસને આ બદલાયેલો રૂટ અસર કરશે તેમ એસ.ટી. નિગમ રાજકોટના વિભાગીય નિયામકે જણાવ્યું હતું. નવો હુકમ ન થાય ત્યાં સુધી આ મુજબ વ્યવસ્થા રહેશે.
આમ્રપાલી બ્રિજ, રૈયા ચોકડી, અયોધ્યા ચોકથી બસ દોડશે
સાંઢિયા પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવતા એસ.ટી.ની રાજકોટથી મોરબી, ભુજ, જામનગર અને દ્વારકા જતી એસ.ટી. બસ હવે બસપોર્ટથી ત્રિકોણબાગ, મહિલા કોલેજ ચોક, આમ્રપાલી અન્ડરબ્રિજ, હનુમાનમઢી ચોક, રૈયા ચોકડી, શીતલ પાર્ક, અયોધ્યા ચોક, માધાપર ચોકડી થઇને મોરબી, ભુજ, જામનગર અને દ્વારકા રૂટ ઉપર જશે.
મહિલા કોલેજ અને રૈયા ચોકડીએ એસ.ટી. ઊભી રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
જામનગર રોડ પરના સાંઢિયા પુલ પર ભારે વાહનોને પ્રવેશ બંધ કરવામાં આવતા એસ.ટી. બસ હવે શહેરના રૂટ પરથી થઇને મોરબી, ભુજ, જામનગર અને દ્વારકા જશે. નવા રૂટમાં પણ યાત્રિકોને માટે બે સ્ટોપ રાખવામાં આવ્યા છે જેમાં મહિલા કોલેજ ચોક અને રૈયા ચોકડીએ એસ.ટી. બસ ઊભી રહેશે.