ત્રંબા ગામે સરકારી સ્કૂલ 3 વર્ષ પહેલાં પાડી દીધા બાદ નવી બનાવવાનો પ્રશ્ર્ન ટલ્લે ચડ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
રાજ્ય સરકાર દ્વારા સારા સ્કૂલ બિલ્ડિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અભ્યાસ આપવાની મસમોટી જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ વાસ્તવિકતા જુદી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભૂપત બોદર હતા ત્યારે ત્રંબા ગામે રોડના સામાકાંઠે આવેલી ધો.3થી 8ના વિદ્યાર્થીઓ માટેની સરકારી સ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત હોય તે તોડી પાડવા અને શાળા માટે નવું બિલ્ડિંગ બનાવવા નિર્ણય કરાયો હતો અને તે મુજબ સ્કૂલના જર્જરિત બિલ્ડિંગને તોડી પડાયા બાદ આજે 3 વર્ષ વીતી ગયા બાદ પણ હજુ સુધી નવા બિલ્ડિંગ બનાવવાના કોઇ ઠેકાણા ન નથી. હાલમાં ધો.3થી 8ના બાળકોને સામે આવેલી બાલવાટિકા અને ધો.1 અને 2ના વિદ્યાર્થીઓની સરકારી સ્કૂલમાં બેસાડવામાં આવી રહ્યા છે. આ બિલ્ડિંગમાં માત્ર બે જ ક્લાસરૂમ છે અને સવારના સમયે ધો.5થી 8 અને બપોર બાદ બાલવાટિકા તથા ધો.1થી 4ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. વર્ગખંડ માત્ર બે જ હોય તેથી બિલ્ડિંગના લોબીમાં ગ્રીન કપડાં બાંધીને ભણાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જૂની સ્કૂલના બેન્ચના થપ્પા પણ મેદાનમાં મારી દીધા હોવાનું અને મધ્યાહ્ન ભોજન કેન્દ્રનો રૂમ પણ જર્જરિત હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
- Advertisement -
નવા SDR મુજબ ટેન્ડર થશે: ડીપીઇઓ
ગયા અઠવાડિયે આ મુદ્દો અમારા ધ્યાન પર આવ્યો હતો. અગાઉ આ સરકારી સ્કૂલ બનાવવા બે વખત ટેન્ડર પ્રક્રિયા કરી હતી, પરંતુ અપસેટ પ્રાઇઝ નીચી હોવાથી કોઇ એજન્સીએ ટેન્ડર ભર્યા ન હતા. હવે અપસેટ પ્રાઇઝ નવા એસઓઆર મુજબ અપગ્રેડ કરાઇ છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા નવેસરથી થશે.
દીક્ષિત પટેલ, રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
બે રૂમની સરકારી સ્કૂલમાં આ પ્રાથમિક સુવિધાનો છે અભાવ
– કુમાર-ક્ધયા માટે સેનિટેશન નથી
– પીવાના પાણી માટે આર.ઓ. નથી
– પ્રયોગશાળા નથી, કમ્પ્યૂટર લેબ નથી
– સ્માર્ટ રૂમ માટે જગ્યા નથી
– આચાર્ય રૂમ નથી
– 125 વર્ષ જૂની શાળાનો રેકર્ડ સાચવવા દફતર રૂમ નથી.
– મધ્યાહ્ન ભોજનની હાલત ખૂબ જ જર્જરિત
– ઘોંઘાટ વચ્ચે બાળકોનો અભ્યાસ, બેન્ચોના ખુલ્લા મેદાનમાં થપ્પા