વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વીવીઆઈપીઓની સુરક્ષા વ્યવસ્થા સંભાળનાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના ડાયરેક્ટર અરુણ કુમાર સિન્હાનું આજે સવારે નિધન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે 61 વર્ષીય અરુણ કુમાર સિંહાને ખરાબ તબિયતના કારણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે તેઓએ દમ તોડ્યો.
મળતી માહિતી મુજબ 1987 બેચના કેરળ કેડરના IPS અધિકારી અરુણ કુમાર સિન્હાને તાજેતરમાં SPG ડિરેક્ટર તરીકે એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. અરુણ કુમાર સિન્હાએ ગુજરાત બીએસએફના આઇજી તરીકે પણ વર્ષો સુધી સેવા આપી હતી. અરુણ કુમાર સિન્હાના કરિયરની વાત કરીએ તો તેણે પોતાનો અભ્યાસ ઝારખંડથી કર્યો હતો અને કરિયરમાં ઘણા મહત્વના હોદ્દા પર કામ કર્યું હતું. તેમણે કેરળમાં જ અલગ-અલગ હોદ્દા અને રેન્ક પર કામ કર્યું. તેમણે DCP કમિશનર, કેરળ પોલીસના ઈન્ટેલિજન્સ આઈજી અને તિરુવનંતપુરમમાં એડમિનિસ્ટ્રેશન આઈજી તરીકે સેવા આપી હતી. તેણે માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ ગયૂમની હત્યાનો કેસ પણ ઉકેલ્યો હતો અને આ કેસના આરોપીઓની દિલ્હીથી ધરપકડ કરી હતી. તે સમયે સિંહા કેરળના કાયદો અને વ્યવસ્થાના પ્રભારી પદ પર હતા.
- Advertisement -
સિંહાએ પોતાની કારકિર્દીમાં ઘણા રહસ્યો ઉકેલ્યા. તેણે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને ઈમેલ દ્વારા ધમકી આપવાનો અને લેટર બોમ્બ કાંડનો મામલો પણ ઉકેલ્યો હતો. આ સિવાય સિંહાએ રાજ્યમાં ક્રાઈમ સ્ટોપર સિસ્ટમનો પાયો નાખ્યો હતો. તેમના પ્રશંસનીય કાર્ય માટે તેમને ઘણા મેડલ અને પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. આજે સવારે 61 વર્ષીય અરુણ કુમાર સિંહાના નિધનના સમાચાર મળતા આઇપીએસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે.