ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ત્રણ દરવાજા ચોકમાં આવેલ ગાંધીજીના સ્ટેચ્યૂમાંથી ચશ્માં ગુમ થઈ ગયાં છે. સીસીટીવીથી સજ્જ અને લોકોની સતત અવરજવરવાળા વિસ્તારમાં જ કોઈ ચશ્મા ઉતારીને પલાયન થઈ જતા ભારે રોષ ફેલાયો છે. આથી તત્કાલ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માગ ઉઠી છે. બીજી તરફ રાજકોટમાં સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યૂમાં કોઈ ટીખળખોરે બન્ને પગ બાંધી દેતા લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.
ધોરાજી શહેરના હાર્દ સમા ત્રણ દરવાજા ચોક ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. જોકે, આ સ્ટેચ્યુ પરથી ગઇકાલે કોઈ ટીખળખોરે બાપુના ચશ્મા ઉતારી લેતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ વિસ્તારમાં આધુનિક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉપરાંત લોકોની અવરજવર પણ સતત થતી હોય છે. આમ છતાં કોણ ચશ્માં કાઢી ગયું તે કોઈને ખ્યાલ નથી, માટે તાત્કાલિક આ મામલે તપાસ કરી જવાબદારો સામે પગલા લઈને તેમને કાયદાનું ભાન કરાવવા ધોરાજીના લોકોએ માગ કરી છે.