આજે ચૈત્ર મહિનાની પૂનમ છે. આ તિથિએ હનુમાનજીની જયંતી ઊજવવામાં આવે છે. આ વખતે આ પર્વ શનિવારે હોવાથી આ દિવસે શનિદેવ માટે ખાસ પૂજા કરવાનો શુભ યોગ બની રહ્યો છે. મનુષ્ય જ્યારે ચોમેરથી વિપદાઓ વચ્ચે ઘેરાયેલો હોય ત્યારે જેમનું સ્મરણ માત્ર તમામ સંકટમાંથી ઉગારી શકે છે તેવા હનુમાનજીની જયંતિ આજે એટલે શનિવારે દેશભરમાં આસ્થાપૂર્વક ઉજવવામાં આવશે. આ વખતે શનિવાર, મકર રાશિમાં શનિ અને હનુમાન જન્મોત્સવનો ખાસ યોગ બની રહ્યો છે, મંગળવારના દિવસે જ હનુમાનજીનો જન્મ થયો હતો.
આ દિવસે હનુમાનજી સામે દીવો પ્રગટાવવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો, જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. પવનપુત્રની જયંતિ નિમિત્તે આજે વહેલી સવારથી મોડી રાત સુધી હનુમાનજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. મંદિરોમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ, મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે શનિવારે જ હનુમાન જયંતિનો અનોખો સંયોગ સર્જાયો છે.
- Advertisement -
શાસ્ત્રવિદોનુસાર અંજનીપુત્ર હનુમાનજીની ઉપાસના અનેક રીતે ફળદાયી છે. હનુમાન ચાલીસા, સંકટમોચન હનુમાનષ્ટક, હનુમાન બાહુક કે રામનામના જપથી પણ બજરંગબલીની કૃપા વરસે છે. હનુમાનજીને આંકડાનો હાર, સીંદુર, તેલ ચઢાવવાનો મહિમા છે. આજે ચૈત્રી પૂર્ણિમા છે ત્યારે આ દિવસ હનુમાન જયંતિનો, પિતૃકૃપા મેળવવાનો છે. ચૈત્રી પૂનમ નિમિત્તે શક્તિપીઠ સહિતના માઇમંદિરોમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટશે. બીજી તરફ બોટાદ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવના દર્શન માટે શુક્રવારે રાતથી જ મોટી સંખ્યામાં ભક્તોનું આગમન શરૂ થઈ ગયું છે.
જે સમયે હનુમાનજીનો જન્મ થયો, તે સમયે ઉચ્ચના મંગળની ઉચ્ચના સૂર્ય ઉપર દૃષ્ટિ બનેલી હતી. આ વર્ષ હનુમાન જયંતીએ ઉચ્ચનો સૂર્ય તો હશે, પરંતુ ઉચ્ચનો મંગળ રહેશે નહીં. શનિ મકર રાશિમાં અને ગુરુ મીનમાં રહેશે. સૂર્ય, બુધ, રાહુની યુતિ મેષ રાશિમાં રહેશે. કેતુ તુલામાં રહેશે.
- Advertisement -
આમ તો, ભગવાન બજરંગબલીના ઘણા નામ છે પરંતુ આનંદ રામાયણમાં એમના 12 વિશેષ નામ જણાવવામાં આવ્યાં છે.હનુમાનજી તેમના ભક્તોનાં કષ્ટ નિવારે છે. આ દુ:ખભંજન દેવનાં દિવ્ય નામોનું જાપ દિવસમાં એક ચોક્કસ સમયે કરવાથી ભક્તોનાં શનિદોષનું નિવારણ થાય છે.
હનુમાન જયંતી: આજના શુભ દિવસે હનુમાનજીનાં આ 12 દિવ્ય નામોનું જાપ કરવાથી થશે શનિદોષનું નિવારણ
હનુમાન, અંજની સુત, વાયુપુત્ર, મહાબલી, રામેષ્ટ, ફાલ્ગુણ સખા, પિંગાક્ષ, અમિત વિક્રમ, ઉદધિક્રમણ, સીતા શોક વિનાશન, લક્ષ્મણ પ્રાણ દાતા, દશગ્રીવ દર્પહા.
શ્રીરામ-સીતા પૂજા મંત્ર
आपदामपहर्तारं दातारं सर्वसम्पदां
लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ।।
હનુમાન પૂજા મંત્ર
अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम् ।
सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि ।।
ચૈત્ર મહિનાની પૂનમે દર વર્ષે હનુમાન જયંતી મનાવવામાં આવે છે. આ વખતે તે તારીખ 16 એપ્રિલ છે. આ દિવસે મા અંજનીના કોખથી રામભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો. આ વખતે હનુમાન જયંતી શનિવારના છે, આ કારણથી આ દિવસને વધારે ખાસ માનવામાં આવી રહ્યો છે. મંગળવાર અને શનિવારે જ્યારે હનુમાન જયંતી હોય છે ત્યારે તેનું મહત્વ વધારે હોય છે. આ કારણથી આ વખતે હનુમાન જયંતી શનિદેવને પ્રસન્ન કરવાની રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
તમારી રાશિ પ્રમાણે ભગવાન હનુમાનજીને ભોગ ચઢાવો.
મેષ – આ રાશિના લોકોએ હનુમાનજીને ચણાના લોટના લાડુ અર્પણ કરવા જોઈએ.
વૃષભ – આ રાશિના લોકોએ હનુમાન જયંતિ પર તુલસીના બીજ અર્પણ કરવા જોઈએ.
મિથુન – આ રાશિના લોકોએ હનુમાનજીની પૂજા કરતી વખતે તુલસીના પાન ચઢાવવા જોઈએ.
કર્ક – આ રાશિના જાતકોએ ગાયના ઘીમાંથી બનાવેલ ચણાના લોટની ખીર અર્પણ કરવી જોઈએ.
સિંહ – આ રાશિના લોકોએ હનુમાનજીને જલેબી ચઢાવવી જોઈએ.
કન્યા – આ રાશિના લોકોએ ભગવાનને ચાંદીના વર્કવાળી મિઠાઈ અર્પણ કરવી જોઈએ.
તુલા – આ રાશિના જાતકોએ મોતીચૂરના લાડુ ચઢાવવા જોઈએ.
વૃશ્ચિક – આ રાશિના જાતકોએ ગાયના ઘીમાં બનેલા ચણાના લોટના લાડુ અર્પણ કરવા જોઈએ.
ધન – આ રાશિના લોકો માટે હનુમાન જયંતિ પર લાડુ અને તુલસીના પાન ચઢાવવા જોઈએ.
મકર – આ રાશિના લોકોએ મોતીચૂરના લાડુ ચઢાવવા જોઈએ.
કુંભ – આ રાશિના લોકોએ હનુમાન જયંતિ પર લાલ કપડા અને લાડુ ચઢાવવા જોઈએ.
મીન – આ રાશિના લોકોએ હનુમાન જયંતિના દિવસે પવનપુત્રને લવિંગ અર્પણ કરવું જોઈએ.