આઝાદીના ૭૫માં વર્ષ નિમિત્તે રાજકોટની બાબુભાઈ વૈદ્ય લાયબ્રેરી ખાતે રવિવારે વિશિષ્ટ કાર્યક્રમ: મૂળ સોતાં ઉખડેલા
રાજકોટના લેખિકા – કવિયત્રી, નાટ્ય કલાકાર વિભાજનની વ્યથા, વિતકની કરશે હ્ર્દય સ્પર્શી રજૂઆત.
- Advertisement -
જાણીતા સાહિત્યકાર શરીફા વીજળીવાળા વરચ્યુલ ઉપસ્થિત રહેશે.
ગુલઝાર, મંટો સહિતના લેખકોની કૃતિઓમાથી પઠન થશે.
દેશના વિભાજનની દર્દનાક સ્થિતિમાથી પસાર થયેલાને કાર્યક્રમ અર્પણ.
- Advertisement -
રાજકોટ મહાનગર પાલિકાની બાબુભાઈ વૈદ્ય લાયબ્રેરીમાં રવિવાર, તા. પંદરમી ઓગસ્ટે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે એક વિશિષ્ઠ કાર્યક્રમ ” મૂળ સોતાં ઉખડેલા”નું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો આ સ્વતંત્રતા સેનાની અને દેશના વિભાજન વખતે બહેનો માટે સતત અને સખત કામ કરનાર કમળાબેન પટેલના પુસ્તકનું શીર્ષક છે. અહીં એનો આધાર લઈને આખી વાત મૂકવામાં આવી છે.
રૈયા રોડ પાસે, પરેડાઇઝ હોલની સામે બનેલી નવી લાયબ્રેરી ખાતે રવિવારે સવારે ૧૦:૩૦ કલાકે આ આયોજન કરાયું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની લાયબ્રેરીમાં અગાઉ વાર્તા ના વાવેતર, પત્રોત્સવ, કવિતા નામે કલ્પતરુ જેવા તદ્દન નાવીન્ય સભર કાર્યક્રમો આપીને રાજકોટના સાહિત્ય ક્ષેત્રે એક અલગ ભાત પાડનાર કવિયત્રી – લેખિકા ખ્યાતિ શાહ, રંગભૂમિના કલાકાર ધારેશ શુક્લ અને સંગીત ક્ષેત્રે સક્રીય એવા અમી પારેખ આ કાર્યક્રમ લાયબ્રેરીમાં , લાયબ્રરીના સહયોગથી યોજી રહ્યા છે.
ભૂમિકા આપતાં ખ્યાતિ શાહે જણાવ્યું હતું કે દેશ આઝાદ થયો. એ આપણી વર્ષો જૂની ઝંખના હતી. અનેક સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનની આઝાદી મળી. પરંતુ સાથે આપણા દેશના ટુકડા થયા અને કરોડો નિર્દોષ લોકો બેઘર બન્યા , હજારો બહેનો પર અત્યાચાર થયા, બાળકો પર જુલમ થયા. હિંસાનું તાંડવ થયું.
વિભાજનની આ કરુણ વ્યથાને સાહિત્યકારોએ શબ્દસ્થ કરી છે. કમળાબેન પટેલે તો આ આખો કાળખંડ વાસ્તવની ધરતી પર રહીને આલેખ્યો છે. એ ઉપરાંત સઆદત હસન મન્ટો, ખુશવંત સિંઘ, કમલેશ્વર, ભીષ્મ સહાની સહિતના અનેક લેખકોએ પણ આ વિભાજનની વ્યથાને પોતાના સર્જનમાં વાચા આપી છે.
અમે એ સર્જનમાંથી થોડા અંશ પસંદ કર્યા છે જેનું પઠન મારા સાથી અમી પારેખ અને ધારેશ શુક્લ કરશે. વિભાજન વખતના સાહિત્ય પર જેમનો ઊંડો અભ્યાસ છે એવા લેખિકા, વિવેચક શરીફા વીજળીવાળા પણ વર્ચ્યુઅલ રીતે આ ગોષ્ઠિનો હિસ્સો બનશે.
વિભાજન સમયે જે લોકોએ વ્યથા વેઠી એવા લાખો લોકોને આ કાર્યક્રમ અર્પણ છે. કાર્યક્રમની સફળતા માટે લાયબ્રેરીયન નરેન્દ્ર આરદેશના અને એમના સાથીઓ સક્રિય છે.
સાહિત્ય પ્રેમીઓ માસ્ક સાથે, કોરોના ગાઇડલાઈનના પાલન સાથે આ વિશેષ આયોજનમાં નિમંત્રિત છે. આ કાર્યક્રમ Datopant Thengadi Pustakaalay તથા khyati shah નાં fecabook page પર live પણ જોઈ શકાશે.