રાજકોટ ઝૂમાં શિયાળાને લઈ પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા
સિંહ, વાઘ, દીપડા સહિતના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટર અને ચિત્તલ સાબર, કાળિયાર જેવા તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકા ઘાસની પથારી કરાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. કચ્છમાં તાપમાનનો પારો 6થી 7 ડિગ્રી વચ્ચે જ્યારે ગિરનાર સહિતના સ્થળોએ તાપમાન 7થી 12 ડિગ્રી સુધી પહોંચ્યો છે. રાજકોટમાં પણ બર્ફીલા પવનો કારણે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. પક્ષી-પ્રાણીઓને પણ આ ઠંડીની અસર થાય છે. જેને લઈને રાજકોટના પ્રદ્યુમનપાર્ક ઝૂ ખાતે પક્ષી અને પ્રાણીઓને ઠંડીથી રાહત મળે તે માટે મનપા દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં સિંહ, વાઘ, દીપડા સહિતના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર સહિત તૃણાહારી પ્રાણીઓને સૂકા ઘાસની પથારી અને કંતાન વગેરેની હૂંફ આપવામાં આવી રહી છે. રાજકોટ પ્રદ્યુમનપાર્ક ઝૂ અધિકારી ડો. આર કે. હીરપરાએ જણાવ્યું હતું કે, સિંહ, વાઘ, દીપડા, રીંછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રિ દરમિયાન નાઇટ શેલ્ટર ઉભા કરવામાં આવ્યા છે.
તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવી છે. જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાય. એ જ રીતે ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર વગેરે તૃણાહારી પ્રાણીઓના પાજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવી છે. જેથી રાત્રિ દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ ઉપર બેસી હૂંફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે. જ્યારે સરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સોપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુંકડા તથા ખાસ પ્રકારના કાણાવાળા માટલાની અંદર ઇલેટ્રીક લેમ્પ ગોઠવવામાં આવ્યા છે. જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સંતુલીત કરવા માટલાની બહારના ભાગે વિટાઇ જાય છે. આ ઉપરાંત માર્શ મગર અને ઘડિયાલ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઉંડા પાણીના પોન્ડ હોય ત્યાં રાત્રિ દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સંમતુલીત કરવા પાણીના તળીયે બેસી રહે છે. તેમજ તમામ પ્રકારના વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરનાં બારી-દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવ્યા છે. અને રૂમની અંદર બેસવા માટે લાકડાના પટીયા ગોઠવવામાં આવ્યા છે. નાના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ખાસ પ્રકારની ગુફા બનાવવામાં આવી છે. અને બારી-દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવ્યા છે. જુદી જુદી પ્રજાતીઓના પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરા ફરતે ગ્રીન મેટ તથા ઉપરના ભાગે સૂકુ ઘાસ પાથરવામાં આવ્યું છે.
ખોરાકમાં 10થી 15%નો વધારો કરવામાં આવ્યો
- Advertisement -
પક્ષીઓ માટેની વ્યવસ્થા અંગે જણાવતા તેમણે કહ્યું કે, પક્ષીઓના પાંજરામાં રાત્રિ દરમિયાન બેસવા માટે ખાસ પ્રકારના આર્ટિસ્ટિક ઘર, લાકડાના બોક્ષ તથા માટલા ગોઠવવામાં આવ્યા છે. જેની અંદર લાકડાનો છોલ્લ તથા સૂકુ જીણું ઘાસ પાથરવામાં આવે છે. જેનો પક્ષીઓ બ્રિડિંગમાં પણ ઉપયોગ કરે છે. સાથે શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દીપડા તેમજ તમામ પ્રજાતીના નાના-મોટા માંસાહારી પ્રાણીઓનો ખોરક વધી જતા આ ખોરાકમાં 10થી 15 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓનાં ખોરાકમાં પણ વધારો થતા લીલોચારો આપવામાં આવે છે. જોકે, મગર, ઘડિયાલ, સાપ વગેરે સરિસૃપ પ્રજાતીના પ્રાણીઓમાં શિયાળાની ઋતુ દરમિયાન ખોરાકમાં ઘટાડો થતો હોય છે.