જે સમાજ ઇતિહાસમાંથી કંઈ શીખતો નથી એ સમાજ દુર્ગતિ તરફ ધકેલાય છે
એક મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોખંડ-પતરાંના સ્ટ્રક્ચરથી બનેલા 3 માળના ગેમઝોનમાંથી બહુ ઓછા લોકો બહાર નીકળી શક્યા
- Advertisement -
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં શનિવારે સાજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ લાગેલી ભીષણ આગમાં બાળકો સહિત 28 માણસો(અત્યારનો આંકડો) જીવતા ભૂંજાઈ ગયા છે. માત્ર એક મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોખંડ-પતરાંના સ્ટ્રક્ચરથી બનેલા 3 માળના ગેમઝોનમાંથી બહુ ઓછા લોકો બહાર નીકળી શક્યા. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધીમાં તો રમત રમવા આવેલા બાળકો અને તેના પરિવારજનોમાંથી મોટાભાગના મોતને ભેટી ચૂક્યા હતા. તક્ષશિલા અગ્નિકાંડ (24 મે 2019) – 22 મોત, મોરબી બ્રિજ દુર્ઘટના (30 ઓક્ટોબર 2022) – 135 મોત, વડોદરા હરણીબોટકાંડ (18 જાન્યુઆરી 2024) – 14 મોત, રાજકોટ ગેમઝોન દુર્ઘટના (25 મે 2024) – હજુ સુધી 28 મોત જાહેર થયા છે! જે સમાજ ઇતિહાસમાંથી કંઈ શીખતો નથી એ સમાજ દુર્ગતિ તરફ ધકેલાય છે એવું મહાન લોકો કહી ગયા છે. આપણું એ વલણ રહ્યું છે કે આપણે દુર્ઘટના માટે રડીએ માત્ર છીએ, કશું શીખતા નથી. સરકાર કોઈની પણ હોય, વહીવટ કોઈનો પણ હોય કે જવાબદાર વ્યક્તિ ગમે તે હોય આવી દુર્ઘટનાઓ વારંવાર બનતી રહે છે અને વાસ્તવિકતા એ છે કે આપણે જેને ઢગલા મોઢે મત આપીને સિંહાસનને બેસાડ્યા છે તેને સવાલો પૂછવાની શક્તિ પણ આપણે ગુમાવી બેઠા છીએ. આખોયે સમાજ જાણે મોહનિંદ્રામાં સુઈ ગયો હોય તેમ વીતેલા પાંચ વર્ષમાં મોટી મોટી ચાર દુર્ઘટનાના સાક્ષી બનવા છતાં પ્રજાનું લોહી ઉકળતું નથી અને જે ગણ્યાગાંઠ્યા લોકો વિરોધ કરે છે તેને ખૂણો બતાવી દેવામાં આવે છે. લોકોની સંવેદનશીલતા એટલી હદે નીચા સ્તરે છે કે લોકો અક્ષમ્ય દુર્ઘટનાના સમયમાં પોતાના ફેવરિટ પક્ષ અને નેતાને બચાવવા મેદાનમાં ઉતરી આવે છે. બીજું બાજુ, ચાહે ગમે તેટલું મોટું નુકસાન થઈ જાય પણ ક્યારેય જવાબ આપનાર કોઈ હાજર હોતું નથી.
અસહ્ય દુ:ખ સાથે પારાવાર લાચારી, નાના માણસના કપાળે લખાયેલી હોય છે.ઘરના ઓટલે કે પાનના ગલ્લે ચાર માણસો સાથે મળીને દુર્ઘટના વિશે ચર્ચા કરવી, સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિની પોસ્ટ મૂકવી કે કેન્ડલ માર્ચ કરવી, આપણે માત્ર આટલું કરીને સંતોષ માનીએ છીએ પરંતુ એક વખત બહાર નીકળીને જોઈએ તો સમજાય છે કે જે લોકો પીડિત છે, જેણે પોતાના સ્વજનોને સભ્યો ગુમાવ્યા છે, એ લોકોને પરિસ્થિતિ કેટલી દયાજનક છે. દુર્ઘટનાના બીજા દિવસે અમે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પીડિત/મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી ત્યારે જે સત્ય સામે આવ્યું તે આપણને અંદરથી ધ્રુજાવી દે તેવું છે. રવિરાજભાઈ ગઢવીના મામા જીગ્નેશભાઈ ગઢવી (ઉંમર 33), હજુ 20 દિવસથી ગેમઝોનમાં નોકરી પર લાગ્યા હતા. રવિરાજભાઈ ગઢવી પી.એમ. કેમ્પસમાં મામા વિશે કોઈ માહિતી મળે તે જાણવા માટે લગભગ 24 કલાકથી તેની રાહમાં છે. તેમના અન્ય સ્વજનો સાથે તેઓ સવારે 8:00 વાગ્યાના સિવિલ કેમ્પસમાં ઊભા છે . એસપી, ડીવાયએસપી, તાલુકા ઓફિસ એમ્સ હોસ્પિટલ અને સંબંધિત જે તે સ્થળોએ તેઓ વારંવાર પૂછપરછ કરી ચૂક્યા છે. પરંતુ, તેમના મામા ઘાયલ છે, મૃત્યુ પામ્યા છે અથવા તો જીવિત છે કે અન્ય કોઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે કે સિવિલમાં જ સારવાર હેઠળ છે તે વિશે એક પણ સંતોષકારક જવાબ તેઓને તંત્ર તરફથી મળ્યો નથી! પીડિત જીગ્નેશભાઈ ગઢવી પાંચ બહેનોના એકના એક ભાઈ છે.
- Advertisement -
એક બેન પેરેલાઈઝડ છે. ભાઈના ઘરે 12 વર્ષનો પુત્ર છે. તેમના સ્વજનો જાણવા માટે વ્યગ્ર છે કે આખરે જીગ્નેશભાઈ ગયા ક્યાં? એને કોઈ લઈ ગયું છે? તેમના સ્વજન ચિરાગભાઈ ગઢવી ફરિયાદ કરતા કહે છે કે અમે તે દિવસે જ સાંજે છ વાગે ઘટના સ્થળે ગયા, ત્યારે છેક અગ્નિશામક બોટલો(ફાયર એક્સિ્ંટગ્યુશર) મુકાઈ રહી હતી અને પહેલેથી જે ત્યાં હતી તે સીલબંધ ખોલાયા વગરની પડી હતી!! બીજું,ઝોનને ગઘઈ મળ્યું નહોતું તો કોની મહેરબાનીથી આ ગેમઝોન ચાલી રહ્યો હતો? ચિરાગભાઈનું કહેવું છે કે દુર્ઘટના સમયે આખરે શા કારણે ઝોનના દરવાજા અંદરથી બંધ કરી દેવામાં આવ્યા? આનો અર્થ એવો થયો કે તેઓ લોકોને અંદરજીવતા ભુંજી નાખવા માંગતા હતા!? તેઓ આગળ કહે છે કે ઘરની સ્ત્રીઓને અમારે જવાબ શું દેવો. શું અમારે એમ કહી દેવું કે તેવા મૃત્યુ પામ્યા છે? શું અમારે એમ કહેવું કે તેઓ હજી મળ્યા નથી? અમારી પાસે ઘરના લોકોને સમજાવા કોઈ શબ્દ નથી. અમારે ચાર લાખ નથી જોઈતા બસ અમારે અમારા સ્વજનની ખબર જોઈએ છે. કેવા સહકારની અપેક્ષા રાખો છો એના જવાબમાં તેઓ કહે છે કે અમે ઈચ્છે છે કે અમે જેવા હેરાન થયા તેવા અન્ય લોકો હેરાન ના થાય, તાત્કાલિક ડીએનએ રિપોર્ટ રજૂ કરવામાં આવે, અમારા માણસો જે મિસિંગ છે તે ક્યાં છે તે અમને જણાવવામાં આવે અને મહેરબાની કરીને આ દુર્ઘટનામાં મૃત્યુ કે અસર પામેલા લોકોની સાચી સંખ્યા બતાવવામાં આવે એ અમારા તરફથી તંત્રને વિનંતી છે.
આ કહેતા ચિરાગભાઈને અવાજ ગળગળો થઈ જાય છે, તેમના અવાજમાં પીડા છે, દર્દ છે જવાબદાર લોકો અને તંત્ર સામે આક્રોશ છે, રોષ છે, જે સ્વાભાવિક છે. તેઓ કહે છે કે અમે અને અમારા જેવા 135 કુટુંબ અહીં એ સાંભળવા માટે કલાકોથી ઊભા છીએ કે તમારી વ્યક્તિ મૃતક/પીડિતમાંથી નથી! અમને જવાબદાર અધિકારીઓ બોલની જેમ ફંગોળે છે. કોઈ કહે કે કોવીડ હોલમાં તમારી વ્યક્તિ છે તો અમે ત્યાં જઈએ છીએ, ત્યાં જઈને ખબર પડે છે કે અહીં તો કોઈ હાજર જ નથી. અમે હવામાં ફાંફાં મારીએ છીએ. અહીં જો કોઈ મોટી વ્યક્તિના સંતાનો કે ફેમિલીના લોકો દુર્ઘટનાનો ભોગ બન્યા હોત તો આ કામ ગણતરીની મિનિટોમાં પાર આવી જાત કે જેના જવાબો અનેક કલાકો પછી પણ અમને મળ્યા નથી. અમે અહીં માહિતીના અભાવે હેરાન પરેશાન છીએ. સક્ષમ સરકાર છે તો એ તો એર એમ્બ્યુન્સ દ્વારા મશીન લાવીને ડીએનએ ટેસ્ટ અહીં પણ કરી શકે પરંતુ સરકાર તે ઇચ્છતી નથી. મારી વ્યક્તિનો ડીએનએ સેમ્પલ દેવા મારે ક્યાં જવાનું છે એ સુદ્ધા લોકોને ખબર નથી. અમુકને તો એક કુટુંબમાંથી ત્રણ-ત્રણ, પાંચ-પાંચ વ્યક્તિ ગઈ છે. તેઓના દર્દ વિશે સરકારે જરા પણ સંવેદનશીલતા દાખવી નથી જે ખૂબ જ દુ:ખદ છે. અમને 24 કલાકમાંથી તંત્ર કે સરકાર તરફથી પ્રશાસન તરફથી એક પણ ફોન આવ્યો નથી કે એક પણ અધિકારિક માહિતી આપવામાં આવી નથી. દાઝ્યા પર ડામ આપતા હોય એમ અહીં પૂછપરછના જવાબ તોથડાઈ અને ઉદ્ધતાઇમાં જ મળે છે. અમારી વ્યક્તિ મિસિંગ છે અને રાજકોટના એક અખબારે તો તેને મૃતકોની યાદીમાં જાહેર કરી છે જે ખૂબ જ ઘૃણાસ્પદ છે.
ગોંડલના વિશ્વરાજ સિંહ ચુડાસમા ઉંમર વર્ષ 23, ગેમઝોનમાં નોકરીનો પહેલો જ દિવસ હતો. તેઓ વિશે પણ કોઈ માહિતી મળતી નથી. ડીએનએ સેમ્પલ આપી દેવામાં આવ્યું છે પરંતુ ઉપરના કેસ મુજબ તેઓ મિસિંગ છે કે મૃત્યુ પામ્યા છે કે સારવાર લઈ રહ્યા છે તે વિશે કોઈ જ માહિતી તેમના કુટુંબીજનોને પ્રશાસન તરફથી આપવામાં આવી નથી, એકપણ સંતોષકારક જવાબ તંત્રના અધિકારીઓ વિશ્વરાજ સિંહ ચુડાસમાના કુટુંબીઓને આપી શક્યા નથી આપણે સમજી શકીએ છીએ કે પોતાની વ્યક્તિ જીવીત જ છે કે મૃત્યુ પામી છે કે સારવાર પામી છે કે તે નહીં, એટલું પણ જાણવા ન મળે ત્યારે કુટુંબીઓની હાલત શું હોય છે! કેમ્પસમાં અમને ભવદીપ ભાઈ પટેલ મળે છે. તેમના સાળા, અમેરિકા સ્થિત અક્ષયભાઈ ઢોલરીયા ઉંમર વર્ષ 28 હજુ તો અઠવાડિયા પહેલા જ તેમના મેરેજ થયા છે તેઓ તેમની પત્ની સાળી સાથે અહીં એન્જોયમેન્ટ માટે આવેલા. એમના વિશે પણ કોઈ જ પર્યાપ્ત માહિતી તેમના કુટુંબીઓને પ્રાપ્ત નથી. તેમના મક્ષફ સેમ્પલ માટે તેમના મમ્મી પપ્પા છેક અમેરિકાથી રવાના થઈ અને અહીં પહોંચવામાં છે પરંતુ, આટલા સમયમાં, તંત્ર તરફથી એકપણ જવાબ ન મળવો ઘણું આઘાતજનક છે. આ વાત કહેતા ભવદીપ ભાઈ તંત્ર તરફ ઘેરો અસંતોષ વ્યક્ત કરે છે.ભવદીપ ભાઈ કહે છે કે, અહી હાજર લોકોમાંથી કોઈના ચાર તો કોઈના પાંચ ને કોઈના બે લોકો ગયા હોય તેવા અનેક લોકો છે, જ્યારે સરકાર મૃત્યુઆંક 27-28 બતાવે છે!
હું ફકત અહીં ઉભેલા લોકોએ ગુમાવેલ વ્યક્તિના આંક ગણું તોય એ ચાલીસ – પચાસ થઇ જાય છે! દુર્ઘટના બાદમાં દ્રશ્યો ઘણા જ પીડાદાયક છે જેમના સ્વજનો નો કોઈ હતો નથી નથી અત્તોપત્તો નથી, તેમની સાથે શું થયું છે તે કોઈ બતાવવા તૈયાર નથી ત્યારે આશા નિરાશા વચ્ચે જજુમતા અને મહાપરાણે હિંમત ટકાવી રાખતા લોકો રીતસર કરગરે છે કે જો અમારા સ્વજન મૃત્યુ પામ્યા હોય તો, મૃત્યુ ના તો મૃત્યુ ના પણ, સમાચાર તો આપો! જાડી ચામડીના તંત્રના નીંભરપણા વચ્ચે ક્યાંક ક્યાંક માનવતાવાદી પ્રવૃત્તિ જોઈને મને થોડી ધરપત થાય છે કે હજી કંઈક તો ટકી રહ્યું છે! રાજકોટના પ્રશાંતભાઈ મહેતા તેમના મિત્રો સહિત પીડિત લોકોના સ્વજનોની સેવામાં છે. પ્રશાંતભાઈ કહે છે કે આપણે લોકોને બીજું તો કંઈ ન આપી શકીએ પરંતુ અહીં કાળઝાળ ગરમીમાં હેરાન થતાં લોકોને અમે ઠંડુ પાણી અને ઠંડા પીણા આપીએ છીએ જેથી કરીને તેઓ થોડી તો થોડી રાહત પામે. પ્રશાંતભાઈ મહેતા અને તેમના મિત્ર અજયભાઈ મંડીર, મુન્નાભાઈ બાવાજી, ડોક્ટર વિશાલભાઈ આસોડિયા, મુકેશભાઈ ગોસ્વામી અને અન્ય મિત્રો ખડા પગે પીડિત લોકોના સ્વજનોની સેવામાં છે.
તેમનું ગ્રુપ જગા જગા પર આવી માનવતાવાદી પ્રવૃતિઓ કરતું રહે છે, જે ઘણું સરાહનીય છે. પ્રશાંતભાઈ કહે છે કે એક જાગૃત નાગરિક તરીકે આપણા સમાજની થોડી ઘણી જવાબદારી પણ આપણે સંભાળી શકીએ તો સારું છે. લોકોના દુ:ખને આપણે બીજો તો સધિયારો ન આપી શકીએ પરંતુ આપણાથી બને તેટલી શાતા આપણે પહોંચાડીએ. ગજાનન સેવા ગ્રુપના ઉર્વશીબેન સંચાણીયા અને તેમની ટીમ અહીં પીડિત લોકોના સ્વજનોને વરિયાળીનું શરબત તેમજ છાશનું વિતરણ કરી રહ્યા છે. આ ગ્રુપ પણ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે જરૂરિયાત મંદોને મેડિકલના સાધનો, ઓક્સિજનના બાટલા, વ્હીલ ચેર પ્રાપ્ત કરાવવા અને થેલેસેમિયા અંગે જાગૃતિના કેમ્પ વગેરે સેવાકીય પ્રવૃત્તિ કંડક્ટ કરે છે. 44 ડિગ્રીની કાળજાળ ગરમીમાં 24 24 કલાકથી પોતાના સ્વજનોના સમાચારની રાહ જોઈ રહેલા આ લોકોની સ્થિતિ જોઈને હૃદય દ્રવી જાય છે તો વહીવટી તંત્રના ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને દુર્ઘટના બાદ તેના નીંભરપણાને જોઈને શાસકો પર અને સુશાસન પરથી વિશ્વાસ ઉઠી જાય છે.