નંબર પ્લેટ વગરના અને ડાર્ક ફિલ્મવાળા વાહનો સામે 15 દિવસ કાર્યવાહી: જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ઝુંબેશ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં તા. 3 થી 17 સપ્ટેમ્બર, 2025 સુધી નંબર પ્લેટ વગર ફરતા વાહનો અને કારમાં ડાર્ક ફિલ્મ (કાળા કાચ) લગાવેલા વાહનો સામે ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસે સક્રિયતા દાખવીને 726 વાહનચાલકો પાસેથી કુલ રૂ. 3.63 લાખનો દંડ વસૂલ કર્યો છે.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન અને સૂચના મુજબ, જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ એલ.બી. બગડા અને ટ્રાફિક ટીમ તેમજ તાલુકા મથકોની પોલીસ ટીમો દ્વારા સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારના માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ચેકિંગ દરમિયાન, વાહનચાલકોએ “નંબર પ્લેટ તૂટી ગઈ છે, નવી લગાવી દઇશું,” “બીજાનું વાહન છે,” અને “કારમાં પહેલેથી કાળા કાચ હતા” જેવા વિવિધ બહાના કાઢ્યા હતા, તેમ છતાં પોલીસ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
કુલ 152 ચાલકોને રૂ. 500 લેખે કુલ રૂ. 76,000 દંડ ફટકારાયો હતો. કુલ 574 ફોરવ્હીલ ગાડીઓના ચાલકો ઝપટે ચડ્યા હતા. તેઓને પણ રૂ. 500 લેખે કુલ રૂ. 2,87,000 દંડ કરવામાં આવ્યો હતો.
આમ, 15 દિવસની આ ડ્રાઇવમાં કુલ 726 વાહનચાલકો પાસેથી ટ્રાફિક પોલીસે રૂ. 3,63,000 નો દંડ વસૂલ કરીને નિયમોનું પાલન કરાવવા માટે દાખલો બેસાડ્યો છે.