જૂનાગઢ જિલ્લામાં અચાનક વાતાવરણ પલ્ટી રહ્યું છે
વિસાવદર ગ્રામ્યમાં ફરી વરસાદનું આગમન થતા ખેડૂતો ચિંતિત
બપોરે કાળઝાળ ગરમી પડતા શહેરના રસ્તા સૂમસામ બન્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ સહીત સમગ્ર સોરઠ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી અચાનક વાતાવરણમાં પલટો આવી રહ્યો છે જોકે હવામાન વિભાગની આગાહીના પગલે તા.16 મેં સુધી આંધી સાથે મીની વાવાઝોડું અને વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી હતી ત્યારે ગઈકાલ પણ જૂનાગઢ શહેરમાં કયાંક વરસાદ પડ્યો હતો ક્યાંક ભારે વંટોળ સર્જાયો હતો અને બપોરના સમયે તાપમાન 42 ડિગ્રી પાર થતા લોકો અકળાઈ ઉઠ્યા હતા અને શહેરના રસ્તા સૂમસામ જોવા મળ્યા હતા ત્યારે વિસાવદરમાં ફરી વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ફરી ચીંતામાં વધારો થયો હતો અને ઉનાળુ પાક સાથે કેસર કેરીને નુકશાન થયું હતું.
સોરઠ પંથકમાં ચેલા પાંચ દિવસથી અચાનક વાતાવરણ પલ્ટી રહ્યું છે.જેમાં બપોરે કાળઝાળ ગરમી બાદ સાંજે વાતાવરણમાં પલટા સાથે અનેક વિસ્તારોમાં ભારે વંટોળ સાથે પવન ફુંકાતા ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળે છે ત્યારે સાંજના સમયે ભવનાથ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો અને વરસાદ પડતા ગરમીથી થોડી રાહત મળી હતી એજ રીતે શહેરના અનેક વિસ્તારોમાં મીની આંધી સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ક્યાંક વરસાદી છાંટા પડ્યા હતા આમ દિવસ ભર હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના વિસાવદર તાલુકામાં પિયાવા, ઈશ્વરીયા,હરિનગર સહીત કાંસીયા જંગલ નાકા સુધી બપોર બાદ અચાનક વાતાવરણમાં ફરી પલટો આવ્યો હતો અને વંટોળ સાથે વરસાદનું આગમન થતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા જયારે છેલ્લા પાંચ દિવસમાં વિસાવદર પંથકમાં બીજી વખત કમોસમી માવઠું થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો અને ઉનાળુ ખેતી પાકને નુકશાન જોવા મળ્યું હતું જેમાં બાગાયત ખેતીમાં રાવણા, જાંબુ, ચીકુ તેમજ કેસર કેરી સહીતના અન્ય પાકોને નુકશાન થયું હતું કમોસમી વરસાદના લીધે ખેતી પાકના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ત્યારે ખેતરમાં ઉનાળુ સીઝનમાં ઉભા પાકને માવઠું થતા ખેડૂતો નુકશાનીની ભીતિ સેવી રહ્યા છે.
જૂનાગઢમાં આજ સવારથી અગન વર્ષા સાથે ભયાનક ગરમી
જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં આજ સવારથી ફરી કાળઝાળ ગરમી શરુ થઇ છે અને બપોરના સુમારે 42 ડિગ્રી પાર તાપમાન જોવા મળતા લોકો ભરે ગરમીથી અકળાઈ ઉઠ્યા છે.અને બપોરના સુમારે શહેરની મુખ્ય બજારો સૂમસામ જોવા મળે છે.જોકે છેલ્લા બે દિવસ થી સવારે ગરમીથી થોડી રાહત જોવા મળે છે જયારે બપોરના સમયે કાળઝાળ ગરમી અને સાંજે મીની આંધી સાથે વરસાદી છાંટા પડતા ફરી થોડી ગરમીમાં રાહત જોવા મળે છે.ત્યારે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે, મેહુલિયો એક વાર સારા વરસાદનું હેત વરસાવે તો ગરમીથી રાહત થાય આમ સવારથી રાત્રી સુધી ક્યારે વાતાવરણમાં પલટો આવે તે કઈ નક્કી થતું નથી.