ભાજપે ઓડિશાથી રેલમંત્રી અશ્ર્વિની વૈષ્ણવને ઉતાર્યા
ખાસ-ખબર સંવાદદાતા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ નામાંકન માટે સવારે 9 વાગે જયપુર પહોંચ્યાં હતાં. રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે આવ્યાં છે. સોનિયા ગાંધી સવારે 11 વાગ્યે રાજસ્થાન વિધાનસભામાં ઉમેદવારી પત્ર ભરશે. હવે સોનિયા ગાંધી પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ દ્વારા ખાલી કરાયેલી સીટ પર રાજ્યસભામાં જશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષના પ્રસ્તાવકમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પીસીસી ચીફ ગોવિંદ સિંહ દોતાસરા, વિપક્ષના નેતા ટીકારામ જુલી અને ઘણા વરિષ્ઠ ધારાસભ્યો હશે.
રાજસ્થાન કોંગ્રેસના તમામ ધારાસભ્યો પણ જયપુર પહોંચી ગયા છે. તમામ ધારાસભ્યોને બે દિવસ જયપુરમાં રોકાવાનું કહેવામાં આવ્યું છે. ઉમેદવારી ફોર્મ ભરીને સેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે. નામાંકન પત્રકની સાથે પ્રસ્તાવક અને સમર્થક તરીકે 10-10 ધારાસભ્યોની સહીઓ કરવામાં આવી છે. બીજી તરફ ભાજપે મધ્યપ્રદેશ અને ઓડિશાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં ઓડિશામાં અશ્ર્વિની વૈષ્ણવને ઉતાર્યા છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાજસ્થાનમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, અશોક ગેહલોત અને ગોવિંદ સિંહ દોતસરા તેમની સાથે રહ્યા. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી આજે રાજસ્થાનથી ઉમેદવારી નોંધાવશે. રાજ્ય કોંગ્રેસના વડા ગોવિંદ સિંહ દોતસરાએ કહ્યું કે, આ નિર્ણય અમને શક્તિ આપશે…મલ્લિકાર્જુન ખડગે અને તમારા નેતૃત્વમાં અમે ખૂબ સારું પ્રદર્શન કરીશું…અમે કોંગ્રેસને જીત અપાવીશું. આપણું લક્ષ્ય રાહુલ ગાંધી દેશના પીએમ બનાવવાનું રહેશે.
- Advertisement -
કૉંગ્રેસે રાજ્યસભાની 4 સીટના ઉમેદવાર જાહેર કર્યા
ભાજપ બાદ કોંગ્રેસે પણ રાજ્યસભાની ચૂંટણી માટે 4 ઉમેદવારોના નામનું એલાન કરી દીધું છે અને આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. રાજસ્થાનથી સોનિયા ગાંધી, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવીને ટિકિટ આપવામાં આવી હતી. આ સાથે જ બિહારના અખિલેશ પ્રસાદ સિંહ અને મહારાષ્ટ્રના ચંદ્રકાંત હંડોરેના નામની પણ જાહેરાત કરાઈ હતી. ચંદ્રકાંત મહારાષ્ટ્રના દલિત નેતા છે. હજુ મધ્યપ્રદેશની એક, તેલંગાણાની બે અને કર્ણાટકની ત્રણ રાજ્યસભા બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે.