આ સંપત્તિ એસોસિએટેડ જર્નલ્સ લિ.ની હતી, કોંગ્રેસના બન્ને નેતાઓએ ગેરકાયદે રૂ. 142 કરોડની આવક મેળવી હતી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
નેશનલ હેરાલ્ડના મની લોન્ડરિંગ કેસમાં બુધવારથી દિલ્હીની વિશેષ કોર્ટમાં દૈનિક સુનાવણી શરૂ થઇ ગઇ છે. આ સમગ્ર મામલાની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી ઇડીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ જ રૂપિયા બે હજાર કરોડની સંપત્તિને પચાવી પાડવાનું કાવતરું ઘડયું હતું. કોંગ્રેસ પક્ષ એસોસિએટેડ જર્નલ્સ લિ.ની સંપત્તિ હડપવા માગતી હતી.
- Advertisement -
કેન્દ્રીય એજન્સી ઇડી તરફ એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજૂ હાજર રહ્યા હતા, તેમણે દાવો કર્યો હતો કે એસોસિએટેડ જર્નલ્સ લિ.ની સંપત્તિની કિંમત બે હજાર કરોડ રૂપિયા હતી, જેને પચાવી પાડવાનું કાવતરુ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા રચવામાં આવ્યું હતું. એટલુ જ નહીં કોંગ્રેસના વરીષ્ઠ નેતાઓના આદેશથી જાહેરાતોના નાણા એસોસિએટેડ જર્નલ્સ લિ.ને મળી રહ્યા હતા. આ હાઇપ્રોફાઇલ કેસની સુનાવણી સીબીઆઇના જજ વિશેષ જજ વિશાલ ગોગને કરી રહ્યા છે. એસોસિએટેડ જર્નલ્સ લિ. દ્વારા નેશનલ હેરાલ્ડ અખબાર પ્રકાશિત થતું હતું. જેની સ્થાપના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી. ઇડી તરફ એસ. વી. રાજૂએ વધુમાં કહ્યું હતું કે યંગ ઇન્ડિયા અખબાર બનાવવાનું કાવતરુ ઘડાયું હતું. જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના 76 ટકા શેર હતા, જેથી કોંગ્રેસ પાસેથી લેવાયેલા 90 કરોડ રૂપિયાના દેવા માટે બે હજાર કરોડ રૂપિયાની સંપત્તિ પચાવી પડાય. આ દરમિયાન જે પણ કમાણી બનાવટી કંપની દ્વારા કરાઇ તે ગુનો છે. આ સમગ્ર મામલામાં સોનિયા ગાંધીને આરોપી નંબર એક અને રાહુલ ગાંધીને આરોપી નંબર બે બનાવવામાં આવ્યા છે. એસોસિએટેડ જર્નલ્સ લિ. નેશનલ હેરાલ્ડ (અખબાર, વેબ પોર્ટલ)નું પ્રકાશક છે જ્યારે માલિકીનો હક યંગ ઇન્ડિયા પ્રા. લિ. પાસે છે. અગાઉ ઇડીએ દાવો કર્યો હતો કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ગેરકાયદે 142 કરોડની આવક મેળવી હતી.