-રાયબરેલી બેઠક પર પ્રિયંકા ગાંધી ઝંપલાવે તેવી ધારણા
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પરના આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપતા સમયે એ સંકેત આપ્યો હતો કે અહીના કેટલાક સભ્યો હવે રાજયસભામાં દેખાશે અને તેમનો ઈશારો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પુર્વ પ્રમુખ સોનિયા ગાંધી પર હતો તે વાસ્તવિકતા બની રહી છે.
- Advertisement -
હાલ રાયબરેલી લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહેલા સોનિયા ગાંધી હવે આગામી ચુંટણી નહી લડે અને તેઓ રાજયસભામાં ચુંટાશે. ખાસ રિપોર્ટ મુજબ સોનિયા ગાંધી રાજસ્થાન અથવા હિમાચલમાંથી રાજયસભામાં ચુંટાશે. આ બન્ને રાજયોમાં કોંગ્રેસ 1-1 બેઠક જીતી શકે તેમ છે અને તેમાં સોનિયા ગાંધધી એક રાજય પર પસંદગી કરશે તો તેમની રાયબરેલી લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધી ચુંટણી લડી શકે છે.
સતત પાંચ ટર્મથી લોકસભામાં ચુંટાતા 77 વર્ષના સોનિયા ગાંધીને હવે સ્વાસ્થ્ય સાથ આપતુ નથી અને તેથી તેઓ હવે ચુંટણી નહી લડે તે નિશ્ચિત છે. રાજસ્થાન અને હિમાચલ બન્ને રાજયના પ્રદેશ કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધીને ચુંટણી લડવા પ્રસ્તાવ મોકલાયો છે અને હવે આવતીકાલે સોનિયા ગાંધી તેમની ઉમેદવારી નોંધાવી શકે છે તો પ્રિયંકા ગાંધી તેમના રાજકીય જીવનની પ્રથમ ચુંટણી તેમના માતા જે બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે તેના પર ચુંટણી લડવાની તક મળશે.
રાહુલ ગાંધી જે 2019માં અમેઠી બેઠક પર પરાજીત થયા તેઓ હવે ફરી આ બેઠક પર લડવાનું જોખમ લેશે કે કેમ તે પ્રશ્ન છે. તેઓ વાયનાડના સાંસદ છે અને ફરી આ બેઠક પર જ ચુંટણી લડે તેવી ધારણા છે. જો કે બેઠક સમજુતીમાં વાયનાડ બેઠક પર ડાબેરી પક્ષોનો દાવો છે.