ખાસ-ખબર સંવાદદાતા
મકરસંક્રાંતિના પાવન પર્વ પર શાસ્ત્રોક્ત રીતે સફેદ તલથી શિવજીના પૂજન તેમજ સ્નાનનું મહાત્મ્ય રહ્યું છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને સફેદ તલ, ઘી, ગુલાબ, તેમજ ગલગોટા ના ફૂલ દ્વારા વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. મહાદેવના જ્યોતિર્લિંગ સ્વરૂપને ઘી અને તલનો લેપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે સોમનાથ મહાદેવના તલ આચ્છાદિત સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.અને સોમનાથમાં ગૌ પૂજન માં ઓનલાઇન ભક્તો જોડાયા સવારથી જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌ પૂજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા માંથી લવાયેલ ગૌ માતા ને વિધિવત પૂજન કરીને તેમને ભોગ લગાવાયો હતો.આ પૂજનમાં દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી ઓનલાઈન માધ્યમથી ભક્તો પૂજામાં જોડાયા હતા. મહાદેવને શુધ્ધોદક જલ, દૂધ,દહીં,સાકર, સહિતના દ્રવ્યોમાં તલ ભેળવીને વિશેષ અભિષેક પણ કરાયો હતો.
ત્યારે આજે આખા દિવસ દરમિયાન મહાદેવના શૃંગાર અભિષેક અને પૂજનમાં વિશેષ રૂપે સફેદ તલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના દર્શન કરી દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.
સોમનાથ મહાદેવને સંક્રાંતિના પર્વ પર સફેદ તલનો વિશેષ સાયં શૃંગાર કરાયો
