જોસેફ સ્કૂલ પાછળની વાડીમાં ગેરકાયદે ગૌવંશની કતલ કરી રહ્યા હતા: કતલના સાધનો અને વાહનો જપ્ત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
- Advertisement -
ગીર સોમનાથ એલસીબીએ ઉના ખાતે ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પાંચ જીવતા વાછરડાને બચાવ્યા છે. આ કેસમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. પોલીસ સબ ઇન્સપેક્ટર એ.સી. સિંધવ અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી મુજબ, અસ્લમભાઇ ઉર્ફે અસલો ચોરવાડા અન્ય લોકો સાથે મળીને સેન્ટ જોસેફ સ્કૂલ પાછળની વાડીમાં ગેરકાયદે ગૌવંશની કતલ કરી રહ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં આસીફખાન પઠાણ, મુખ્તારખાન પઠાણ, બસીર સુમરા, અજીમ પઠાણ, મહમદ ચોરવાડા, કાદર સમા, રજાક સમા અને અયાનખાન પઠાણનો સમાવેશ થાય છે. વાડીના માલિક અસ્લમભાઇ ચોરવાડા હજુ ફરાર છે. પોલીસે કતલ માટે વપરાતા સાધનોમાં એક કુહાડી, ચાર છરા, એક ડિજિટલ વજન કાંટો અને એક હેમરી પથ્થર જપ્ત કર્યા છે. આ ઉપરાંત છ વાહનો અને આઠ મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂ. 2,80,350 છે. આરોપીઓ વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.