જૂનાગઢ અને મેંદરડામાં ક્રેડિટ કાર્ડ અને ફોન ખરીદીમાં છેતરપિંડી થઇ હતી
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા અને જૂનાગઢમાં ક્રેડિટ કાર્ડ અપડેટ કરવાના બહાને તેમજ મોબાઇલ લેવાના મામલે થયેલી 80 હજારની છેતરપિંડીની ઘટનામાં એસઓજીએ ભોગ બનનાર મહિલાને અને યુવાનને કુલ 57 હજારની રકમ પરત અપાવી છે. આ અંગે મળતી વિગત મુજબ મેંદરડાની એક મહિલાને ફોન કરનારે ક્રેડિટ કાર્ડ બંધ થઇ જશે તેમ કહી લીન્ક મોકલી હતી.
આ લીન્ક ખોલતા એનીડેસ્ક નામની સ્ક્રિનીંગ શેરીંગ એપ્લીકેશન ઇન્સ્ટોલ થઇ ગઇ હતી. બાદમાં ફોન કરનારે ક્રેડિટ કાર્ડ દ્વારા 59,000 ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરી લીધું હતું.જ્યારે જૂનાગઢના હાર્દિક ગોંડલીયાએ ઓએલએક્સ પર મોબાઇલ ખરીદવા ઓર્ડર આપ્યો હતો અને પૈસા ગૂગલ પે દ્વારા ભર્યા હતા. બાદમાં એક પાર્સલ મળ્યું હતું જે ખોલીને જોતા ડુપ્લીકેટ મોબાઇલ મોકલી 21,500ની છેતરપિંડી કરાઇ હતી. આ અંગેની રજૂઆત બાદ એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સુચનાથી એસઓજીના પીઆઇ એ.એમ.ગોહિલ, સાયબલ સેલના પીએસઆઇ એમ.જે. કોડિયાતર અને સ્ટાફે તુરત કામગીરી કરી બેન્ક તેમજ સલંગ્ન પેમેન્ટ ગેટવે એજન્સી સાથે સંકલનમાં રહી ક્રેડિટ કાર્ડ દ્વારા છેતરપિંડીમાં 35,502 અને મોબાઇલ ખરીદીમાં પૂરા 21,500 મળી કુલ 57 હજાર પરત અપાવ્યા હતા.