ગીર સોમનાથમાં કેમિકલયુક્ત ઓર્ગેનિક ગોળનું કૌભાંડ ઝડપાયું
સુરવા, માધુપુર અને ખાંભામાં ત્રણ ગોળના રાબડા તેમજ તાલાલામાં બે ગોડાઉન પર તપાસ કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.13
ગીર સોમનાથ જિલ્લામાં ઓર્ગેનિક ગોળના નામે ચાલી રહેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જઘૠ ની ટીમે પાંચ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને આશરે રૂ. 1.15 લાખની કિંમતનો કેમિકલ અને એસિડનો જથ્થો જપ્ત કર્યો છે. ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જઘૠની ટીમે સુરવા, માધુપુર અને ખાંભામાં ત્રણ ગોળના રાબડા તેમજ તાલાલામાં બે ગોડાઉન પર છાપા માર્યા હતા. સુરવા ગામના શ્રીજી ફાર્મ પરથી 50 કિલો સોડિયમ હાઇડ્રો સલ્ફાઇટ, 50 કિલો સેફોલાઇટ અને 280 લીટર ઔદ્યોગિક એસિડ મળી આવ્યા હતા. માધુપુરના ભાગ્યોદય ગોળમાંથી 6 કિલો સોડિયમ હાઇડ્રો સલ્ફાઇટ અને 11.94 કિલો સેફોલાઇટ જપ્ત કરાયા હતા. તાલાલામાં આવેલા ત્રિમૂર્તિ એન્ટરપ્રાઇઝ અને માધવ એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી 400 કિલો સેફોલાઇટ કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ રાબડાઓમાં ખાદ્ય ગોળ બનાવવા માટે ઔદ્યોગિક કેમિકલ્સ અને એસિડનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તમામ સ્થળોએથી ગોળ અને કેમિકલના નમૂના લઈને લેબમાં મોકલ્યા છે.