ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની ભાગોળે ઘંટેશ્ર્વર પાસે આવેલા એસઆરપી કેમ્પ પાસેથી સ્પેશ્ર્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ 14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે યુવાનની ધરપકડ કરી છે. પકડાયેલો યુવાન ‘પેડલર’ મતલબ કે ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું પ્રારંભીક તપાસમાં ખુલ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મુળ મોરબીના નવા ડેલા રોડ પર રાવલ શેરીમાં રહેતો અને છેલ્લા થોડા સમયથી રાજકોટના ઘંટેશ્ર્વર સામે વર્ધમાનનગરમાં આવેલી રાજરત્ન રેસિડેન્સી ફ્લેટ નં.301માં ભાડેથી રહેતો વિવેક અતુલભાઈ નાગર (ઉ.વ.30) પાસે ડ્રગ્સનો જથ્થો પડ્યો હોવાની બાતમી મળતાં જ એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ બી.ટી. ગોહિલ, એએસઆઈ ડી.બી.ખેર સહિતનાએ દરોડો પાડી વિવેકને 1.43 લાખ રૂપિયાની કિંમતના 14.39 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી લીધો હતો.
- Advertisement -
પોલીસની પ્રારંભીક પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે વિવેક અતુલભાઈ નાગર છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં છૂટક ડ્રાઈવિંગનું કામ કરે છે. આ દરમિયાન જ તેને ડ્રગ્સ સેવનની લત લાગી ગઈ હતી પરંતુ ડ્રગ્સ સેવનનો ખર્ચ વધુ આવતો હતો જે ડ્રાઈવિંગ કરીને થતી કમાણીથી કરવું શક્ય ન હોવાથી વિવેકે છૂટક છૂટક ડ્રગ્સ લાવીને વેચવાનું શરૂ કર્યું હતું અને પોતાની લતને કારણે તે ડ્રગ્સ પેડલર બની ગયો હતો. પોલીસને આશંકા છે કે 14.39 ગ્રામ ડ્રગ્સનો જથ્થો તે અમદાવાદથી લાવ્યો છે એટલા માટે એ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.