ભાવનગર રોડ પર વોચ ગોઠવી હતી: 6.60 લાખનો મુદામાલ કબજે
ક્યાંથી લાવ્યા હતા, કોના માટે લાવ્યા હતા તે સહિતના મુદે તપાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે નશાનો કારોબાર કરતાં પેડલરો ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એસઓજીની ટીમે બાતમી આધારે ભાવનગર રોડ પર વોચ ગોઠવી રિક્ષામાં 3 કિલો 965 ગ્રામ ચરસનો જથ્થો લઈને નીકળેલા બે શખ્સોને ઝડપી લઈ રૂ.6,59,750નો જપ્ત કર્યો છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પીઆઇ એસ.એમ.જાડેજા અને ટીમ એનડીપીએસના કેસો માટે અસરકારક કામગીરી કરવા પેટ્રોલિંગમાં હતી દરમિયાન ફિરોજભાઈ રાઠોડ અને હાર્દિકસિહ પરમારને માહિતી મળી હતી કે, ભાવનગર રોડ પર શાળા નં.13 પાસે રિક્ષામાં બેઠેલા બે શખ્સ પાસે માદક પદાર્થનો મોટો જથ્થો છે અને આ બંને શખ્સ નશીલો પદાર્થ સગેવગે કરવાની પેરવી કરી રહ્યા છે આ હકીકત મળતાં જ પીઆઇ જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી અને રિક્ષાને કોર્ડન કરી લીધી હતી. પોલીસે તલાશી લેતા રિક્ષામાંથી શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો મળ્યો હતો.
- Advertisement -
એફએસએલ નિષ્ણાતને બોલાવતા તેમણે આ જથ્થો ચરસનો હોવાનું સ્પષ્ટ થયું હતું પોલીસે રૂ.5,94,750ની કિંમતનો 3.965 કિલોગ્રામ ચરસ, બે મોબાઇલ અને રિક્ષા સહિત કુલ રૂ.6,59,750નો મુદ્દામાલ જપ્ત કરી રિક્ષામાં બેઠેલા લલૂડી વોંકળી પાસે રહેતા શબ્બીર સલીમ શેખ ઉ.32 અને સહકાર મેઇન રોડ પર રહેતા અક્ષય કિશોર કથરેચા ઉ.30ની ધરપકડ કરી હતી. ચરસનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે સહિતના મુદ્દે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો ઝડપાયેલો શબ્બીર અને અક્ષય અગાઉ માદક પદાર્થ લઇ આવ્યા હતા કે કેમ? અથવા આ બંને શખ્સો કોના માટે કામ કરતા હતા તે સહિતના મુદ્દે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.