ભિસ્તીવાડમાં ઘટનાસ્થળે લઈ જઈ ઉઠક-બેઠક કરાવી, જાહેરમાં માફી મંગાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટનાં ભિસ્તીવાડ વિસ્તારમાં લુખ્ખા તત્વો દ્વારા પ્રદ્યુમનનગર પોલીસ પર હુમલાની ઘટનામાં મુખ્ય આરોપી માજીદ ઉર્ફે ભાણુને SOG પોલીસે ઝડપી લઈ ઘટના સ્થળ ભીસ્તીવાડ ખાતે લઈ જઈ ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન નામચીન આરોપીને ઉઠક બેઠક કરાવી કાન પકડીને માફી મંગાવી હતી માજિદ પર અપહરણ, ખંડણી, મારામારી સહિત અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેમજ ગુજસીટોકનો પણ એક ગુનો આરોપી સામે નોંધાયેલો હોવાથી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ એકાદ મહિના પહેલા રાજકોટનાં રૂખડિયાપરા વિસ્તારમાં રહેતા ફરીદાબેન જુસબભાઈ શેખના ઘર પર રાત્રિના માજીદ ઉર્ફે ભાણુ તથા તેના સાગરીતોએ સોડા બોટલના ઘા કર્યા હતા. આ ઘટનાને લઇ રાત્રિના પ્રદ્યુમનનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ તોફિકભાઈ અને મયુરરાજસિંહ જાડેજા જામનગર રોડ પર સાંઢીયા પુલ સ્લમ કવાર્ટર પાસે પહોંચ્યા હતા. ત્યાં માજીદ તથા તેના સાગરીતોએ પોલીસ ઉપર હુમલો કરી પોલીસ ઙઈછ વાહનોમાં તોડફોડ પણ કરી હતી. જેને લઈ બંને કોન્સ્ટેબલો ત્યાંથી જતા રહ્યાં બાદમાં મોટો પોલીસ કાફલો આવતા આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ પીઆઇ પી.આર.ડોબરીયાની ટીમે સમીર ઉર્ફે ધમો બસીરભાઇ શેખ, સાવન ઉર્ફે લાલી સંજયભાઇ વાઘેલા અને અશરફ શિવાણીને ઝડપી પાડ્યા હતા, આ દરમિયાન પણ મુખ્ય સૂત્રધાર માજીદ ઉર્ફે ભાણુ નાસતો ફરતો હોય જેને લઈ તેના સહિત અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ કરવામાં આવી રહી હતી દરમિયાન ચોક્કસ બાતમીના આધારે એસઓજી પીઆઇ જાડેજા સાહિતે અપહરણ, ખંડણી, મારામારી અને ગુજસીટોક સહિત અનેક ગુનામાં સંડોવાયેલા અને પોલીસ ઉપર હુમલાનાં મુખ્ય સૂત્રધાર માજીદ ઉર્ફે ભાણુને ઝડપી પાડ્યો હતો. એટલું જ નહીં તેણે જ્યાં પોલીસ પર હુમલો કર્યો હતો તે ભીસ્તીવાડ વિસ્તારમાં લઈ જઈ ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. જેમાં પોલીસે આરોપીને ઉઠબેસ કરાવી હતી. પોલીસનાં હાથે ઝડપાઇ જતા આ નામચીન શખ્સ બકરી બની ગયો હતો. તેમજ કાન પકડી પોતાના ગુનાઓ બદલ જાહેરમાં માફી માંગતો જોવા મળ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે, કુખ્યાત માજીદ ઉર્ફે ભાણું સામે ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ તે એકાદ મહિના પૂર્વે જામીનમુક્ત થયો હતો. જામીન પર છૂટયા બાદ તેણે રૂખડિયાપરા વિસ્તારમાં મહિલાના ઘર પર હુમલો, પોલીસ પર હુમલો સહિત વધુ ત્રણેક ગુનાઓ આચર્યા હતા. જેને લઈને હાલ પોલીસ દ્વારા આ શખ્સે જામીન પર છૂટયા બાદ કુલ કેટલા ગુના આચર્યા છે તે અંગેની તપાસ કરાઇ રહી છે.