પ્રકાશ ઝાની વેબસિરિઝ ‘આશ્રમ’માં ધર્મના નામે ચાલતા પાપાચારો ઉપરાંત પણ પેટા જ્ઞાતિ જેવો એક પેટા મુદ્દો ઉઠાવવામાં આવેલો. એ મુદ્દો એટલે દેશમાં સદાય ફૂંફાડા મારતો રહેતો ઝેરીલો જાતિવાદ.
– તુષાર દવે
- Advertisement -
ગયા વર્ષે જ જેમનું મૃત્યુ થયું એવા લેખક, સમાજ સુધારક અને બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સી. એસ. ધર્માધિકારીનો ઈન્ટરવ્યૂ કરવાની મને એકવાર તક મળેલી. એમાં એમણે અગાઉ આમિર ખાનના બહુચર્ચિત શો ‘સત્યમેવ જયતે’માં તેમણે કહેલી એક વાતનો પૂનરોચ્ચાર કર્યો હતો કે-‘જાતિ હૈ કી ‘જાતી’ નહીં!’ ભારતમાં જાતિવાદના મૂળિયા એટલા ઊંડા છે કે બહુ ઓછા લોકો એના દેખીતા કે છુપા (આઈ મિન અનકોન્શિયસ) પ્રભાવથી મુક્ત રહી શકે છે. જે ક્ષિતિજ પર માનવની અંદર પોતાના કર્મના બદલે, ધર્મ, સમાજ, જાતિ, જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, અટક વગેરેના ગૌરવ(?)નો ઉદય થાય છે એ ક્ષણથી જ આત્મગૌરવ, આત્મનિર્ભરતા, કર્મ, કોમનસેન્સ, સામાજિક ન્યાય અને માણસાઈના ગુણોને લૂણો લાગવાનો શરૂ થઈ જાય છે. ’આપણાવાળા’ અને ’એમનાવાળા’એ માત્ર સામાન્ય બોલચાલના શબ્દો નથી, પણ વાસ્તવમાં એ ’વાડાં’ છે – આપણાવાડાં અને એમનાવાડાં!
એવું નથી કે આપણે ત્યાં માત્ર ઊંચી જ્ઞાતિ અને નીચી જ્ઞાતિના જ ભેદભાવ છે, કહેવાતી ઊંચી અને કહેવાતી નીચી બન્ને પ્રકારની જ્ઞાતિઓમાં પેટા જ્ઞાતિના ભેદભાવો પણ વ્યાપકપણે પ્રવર્તી રહ્યાં છે. આ ભેદભાવો પ્રગટ કરતા વધારે તો અપ્રગટ અને અનકોન્શિયસ લેવલે જ અસ્તિત્વ ધરાવે છે. જે ’દેખાતા દુશ્મન કરતા અદૃશ્ય દુશ્મન વધારે જોખમી’ના ન્યાયે વધુ ભયંકર છે. આવા જાતિવાદનું થોડું લાઉડ લાગે તેવું પણ વાસ્તવિક ચિત્રણ પ્રકાશ ઝાની સિરિઝ ’આશ્રમ’માં જોવા મળે છે. એ કેટલી હદે વાસ્તવિકતાની નજીક છે એ સમજવું હોય તો ’આશ્રમ’ સિરિઝ જોનારાઓએ હાલ દેશમાં ગાજી રહેલા ઉત્તર પ્રદેશના હાથરસ ગેંગરેપ કેસમાં પીડિતાના ગામના ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈ કે વાંચી લેવા અને જેઓ આ કેસના તથ્યોથી વાકેફ હોય એમણે ’આશ્રમ’ સિરિઝ જોઈ લેવી. બન્નેમાં જાતિવાદની ગજબનાક સામ્યતાઓ ઉડીને આંખે વળગે છે. હાથરસ કેસનીગ પીડિતાના ગામ બુલગઢીના ગ્રાઉન્ડ રિપોર્ટમાં પૂનમ કૌશલ નોંધે છે કે, ’ગામની અંદર ફોરવ્હીલર જવી શક્ય ન હોવાથી મેં એક યુવકના બાઈક પર લિફ્ટ લીધી. વાતની શરૂઆત જ તેણે એવું કહીને કરી કે અહીંના લોકો મરવું પસંદ કરશે, પણ બીજી નાત સાથે સંબંધ રાખવાનું પસંદ નહીં કરે. તે ઠાકુર હતો, પણ ગેંગરેપની ઘટનાનું તેને પણ દુ:ખ હતું. તે કહેવા લાગ્યો કે એ દલિત બાળકી સાથે ખૂબ જ ખરાબ થયું છે.
દિલ્હીમાં પણ સફદરગંજ હોસ્પિટલમાં હું જ્યારે પીડિતાના પરિવારજનો સાથે વાત કરી રહી હતી ત્યારે તેના ભાઈ અને પિતા વારંવાર જાતિનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ત્યારે મારા મનમાં એ સવાલ ઊભો થઈ રહ્યો હતો કે શું આજે પણ આપણા દેશમાં આટલો ઊંડો જાતિવાદ છે? બુલગઢી પહોંચતાંની સાથે જ એ સવાલનો જવાબ મળી ગયો. ધરપકડ કરાયેલા આરોપીના પરિવારના લોકો સાથે મુલાકાત કરી તો તેઓ અકડ સાથે કહેવા લાગ્યાં કે, ’અમે’ તો ’એમની’ સાથે ઊઠવા-બેસવા કે બોલવાનું પણ પસંદ નથી કરતાં, ત્યારે અમારા છોકરાઓ એમની દીકરીઓને અડે પણ શા માટે? ઠાકુર અને બ્રાહ્મણોની વસતિવાળા આ ગામમાં દલિતોનાં ઘર ગણ્યાગાંઠ્યાં જ છે અને તેમની દુનિયા અલગ છે. અહીં જાતિવાદનાં મૂળ ઘણાં ઊંડાં છે. લોકો વાતે વાતે જાતિનો ઉલ્લેખ કરે છે. તેમ છતાં અહીંની ઉચ્ચ જાતિના લોકોનું તો એવું જ કહેવું હતું કે આ દલિત પરિવાર ઘણો સજ્જન છે, એ પરિવારને અન્યો સાથે કંઈ જ નિસબત નહોતી કે કોઈની સાથે દુશ્મની પણ નહોતી. ગામની એક ઠાકુર મહિલા કહે છે, આ પરિવારના લોકો ઠાકુર વૃદ્ધોને જોઈને પોતાની સાઈકલ પરથી નીચે ઊતરી જતાં હતાં અને પગપાળા ચાલવા માંડતા હતાં, જેથી ઠાકુરોને એવું ન લાગે કે તેઓ એમની સામે સાઈકલ પર જઈ રહ્યા છે અને તેમની બરાબરી કરી રહ્યાં છે.’
- Advertisement -
ઉપરના રિપોર્ટમાં એ વાત નોંધી કે દલિતો ઠાકુરોને જોઈને એમનું ’સન્માન જાળવવા’ સાઈકલ પરથી પણ નીચે ઉતરી જતાં હતાં?
નાવ કટ ટુ ‘આશ્રમ’ સિરિઝ – એમાં આવી જ એક વાત દર્શાવાઈ છે કે ગામમાં પરંપરાગત રીતે નીચી જાતિમાં કોઈના લગ્ન હોય તો વરરાજા ઘોડા પર ન બેસતો અને બેસે તો પણ જાન જ્યારે ઊંચી જાતિના લોકોના વિસ્તારમાંથી પસાર થાય ત્યારે ઊંચી જાતિના લોકોને એવું ન લાગે કે આ નીચી જાતિના લોકો આપણી બરાબરી કરી રહ્યાં છે એ માટે વરરાજા ઘોડા પરથી ઉતરી જાય અને જાન ચાલીને પસાર થાય. નીચી જાતિનો એક યુવાન પોતાના લગ્નમાં ઘોડી પર બેસવાની જીદ પકડે છે ત્યારે વડીલો એને સમજાવે છે કે આપણે નીચી જાતિના છીએ. આપણાથી ઘોડી પર ચડીને જાન ન કઢાય. આમ છતાં એ માનતો નથી. ઘોડી પર બેસીને જાન નીકળે છે. વડીલો ઊંચી જાતિના લોકોનો વિસ્તાર આવતા જ બેન્ડવાજા બંધ કરાવી દે છે અને વરરાજાને ઘોડી પરથી નીચે ઉતરી જવા સમજાવે છે. એ માનતો નથી અને અંતે ઊંચી જાતિવાળાઓનો ઈગો ઘવાઈ જતાં જાન પર હિચકારો હુમલો થાય છે. (નીચી જાતિવાળા ઘોડે ચડે કે મુછો રાખે તો એમના પર હુમલા થવાની ઘટનાઓ થોડા સમય પહેલા ગુજરાતમાં પણ ખુબ નોંધાઈ હતી.)
ફરીથી હાથરસ બળાત્કાર કેસની વિગતો પર આવીએ તો એ કેસમાં પરિવારજનોને બોડી સોંપવા કે એમની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવાના બદલે પીડિતાના દેહનો બારોબર અંતિમ સંસ્કાર કરી નાંખવા સહિતની પોલીસની ભૂંડી અને શંકાસ્પદ ભૂમિકા પર દેશભરમાં ફિટકાર વરસી રહ્યો છે. આ જ નહીં, પણ આ પ્રકારના ઘણા કેસોમાં પોલીસ પર પણ જાતિ આધારિત ભેદભાવના આક્ષેપો થતાં રહે છે. ’આશ્રમ’ સિરિઝમાં પણ નીચી જાતિના પીડિતો જાન પર હુમલાનો કેસ નોંધાવવા પોલીસ સ્ટેશન જાય છે ત્યારે પોલીસ જે રીતનો વ્યવહાર કરે છે અને પીડિતોને હળવી કલમો હેઠળ ફરિયાદ કરવા જે રીતે ’સમજાવે’ છે એ દૃશ્ય હાથરસ અને એના જેવા અન્ય કેસોની યાદ અપાવ્યા વિના રહેતું નથી. જોકે, પ્રકાશ ઝા નીચી જાતિના લોકોના પ્રશ્નો ઉઠાવવાની સાથોસાથ બીજી તરફ બધી રીતે લાયક હોવા છતાં ક્વોટા સિસ્ટમના કારણે નીચી જાતિના પોલીસકર્મીથી પાછળ રહી જતાં સવર્ણ પોલીસકર્મીની અનામત ક્વોટાવિરોધી હૈયાવરાળ પણ રજૂ કરીને બેલેન્સ કરવાનો પ્રયાસ કરે છે.
ઓવરઓલ, વાત એમ છે કે પ્રકાશ ઝાના સર્જનો એની સર્જનાત્મકતા, મનોરંજન કે અન્ય પરિમાણોની દૃષ્ટિએ ઓગણીસ-વીસ થયા કરે છે, પણ એમની અંદરનો એક્ટિવિસ્ટ, બળવાખોર અને રાજકારણી ચૂક્યા વિના એમના દરેક સર્જનમાં ડોકાયા કરે છે. એમના દરેક સર્જનમાં એમની સામાજિક નિસબતની ઝલક જોવા મળે છે.
‘ફેસ આફ્ટર ધ સ્ટોર્મ’ અને ‘લૂકિંગ બેક’ સહિતની ડોક્યૂમેન્ટ્રીઝ માટે પણ નેશનલ એવોર્ડ મેળવનારા પ્રકાશ ઝાએ ડિરેક્શનની શરૂઆત 1984માં ફિલ્મ ‘હિપ હિપ હુર્રે’ સાથે કરી. રાજ કિરણ અને દિપ્તી નવલ સ્ટારર એ સ્પોર્ટ્સ બેઝ્ડ (અને એ પણ ફૂટબોલ!) ફિલ્મ જમાના કરતાં ઘણી આગળ હતી. પ્રકાશ ઝા તો ’દામુલ’ બનાવવા માટે પૈસા ભેગા કરી રહ્યાં હતાં, પણ ગુલામ મજૂરની વાત રજૂ કરતી એ સ્ટોરી પર કોઈ પૈસા રોકવા તૈયાર નહોતું. એવામાં ઝાએ એકવાર પ્રોડ્યુસર મનમોહન શેટ્ટીને ‘હિપ હિપ હુર્રે’ની સ્ટોરીલાઈન સંભળાવી. શેટ્ટીને રસ પડ્યો અને અનિલ કપૂર-શબાના આઝમીને લઈને ફિલ્મ બનાવવાનું નક્કી થયું, પણ પછી કોઈ કારણોસર અનિલ કપૂર એ ફિલ્મમાંથી ખસી ગયા અને શબાના આઝમીએ પણ એ ફિલ્મ કરવાનો નનૈયો ભણી દીધો.
એક તરફ એ બન્ને સ્ટાર ફિલ્મમાંથી નીકળી ગયાં અને બીજી તરફ ફિલ્મ પૂરી કરવાના બજેટના પણ ફાંફા હતાં. જેના કારણે ક્લાઈમેક્સ મલ્ટિપલ કેમેરા સેટઅપના બદલે સિંગલ કેમેરાથી શૂટ કરવો પડ્યો. સામાન્ય રીતે દરેક દૃશ્યના ચારથી પાંચ રિટેક થાય, પણ સિંગલ કેમેરાના કારણે થતું એવું કે દરેક દૃશ્ય ચારથી પાંચ વાર અલગ અલગ એંગલથી શૂટ કરવું પડતું. ગમે તેમ કરીને પ્રકાશ ઝાએ માત્ર 12 લાખના બજેટમાં એ ફિલ્મ પૂરી કરી. 12 લાખ જેવડી રકમમાં પણ એમણે ગુલઝાર પાસે સ્ક્રિનપ્લે અને ગીતો લખાવવાનું મેનેજ કરી લીધું. પછી 1985માં એમનો મૂળ પ્રોજેક્ટ એવી ’દામુલ’ બનાવી અને સીધો જ નેશનલ એવોર્ડ જીતી લીધો. પછી 1989માં જેનું નામ આજે ભારતમાં એક કહેવત તરીકે વપરાય છે એવી દુરદર્શનની સિરિયલ ’મુંગેરીલાલ કે હસીન સપને’ બનાવી.
ભારતના અનેક મોટા કાંડ, સમસ્યા કે વિવાદોના મધપૂડા સમાન મુદ્દાઓ પર પ્રકાશ ઝાએ ફિલ્મો બનાવી છે. ભાગલપુર કાંડ પર એમણે ‘ગંગાજલ’ બનાવી. ભારત રત્ન જયપ્રકાશ નારાયણના જીવન પરથી ‘લોકનાયક’ બનાવી તો ‘અપહરણ’માં બિહારના ગુંડારાજ અને ‘કિડનેપિંગ ઈન્ડસ્ટ્રી’નું ચિત્રણ કર્યું. માધુરી દિક્ષિતના દમદાર પર્ફોર્મન્સિસમાં જેનો સમાવેશ થાય છે એવી ફિલ્મ ‘મૃત્યુદંડ’માં એમણે જેન્ડર બાયસનો મુદ્દો વણી લીધેલો.
પોતાના વતન ચંપારણમાંથી લોકસભાની ચૂંટણી લડીને હારી ચૂકેલા ઝાએ ’રાજનિતિ’માં મહાભારતની સ્ટોરીને સ્માર્ટલી સાંપ્રત રાજકારણના આધુનિક રેફરન્સમાં રજૂ કરી. નકસલવાદના મુદ્દે ’ચક્રવ્યૂહ’ બનાવી અને અન્ના હજારેના આંદોલનનો સંદર્ભ ઉઠાવી ’સત્યાગ્રહ’ બનાવી નાંખી.
વન્સ અગેઈન કટ ટુ હાથરસ કેસ
હાથરસ કેસના મુદ્દે દેશમાં ફરીથી જાતિવાદનો મુદ્દો જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. ભારતનો પ્રોબ્લેમ એ છે કે આ વિશાળ દેશ એટલી વિવિધતા ધરાવે છે કે તેના તમામ ખૂણે પ્રસરેલા અલગ અલગ વર્ગ, કોમ અને સંસ્કૃતિના લોકો માટે એકસમાન કાયદા બનાવવા કે નિર્ણયો લેવા ખુબ જ જટિલ છે. જેમ કે દહેજના કાયદાની જે જોગવાઈઓ કોઈ અંતરિયાળ ગામની નિર્બળ મહિલા માટે આશીર્વાદ સમાન બનતી હોય એ જ જોગવાઈઓ શહેરી ભારતની કોઈ કુટિલ મહિલા માટે સાસરિયાઓને હેરાન કરવાનું હથિયાર બની રહે એ શક્ય છે. એ જ રીતે શહેરી વિસ્તારોમાં ખોટી એટ્રોસિટીની ફરિયાદો થતી રહેતી હોય છે અને બીજી તરફ દેશના અંતરિયાળ ગામોમાં આજે પણ જે હદે જ્ઞાતિવાદ સર્વોચ્ચ સ્થાન ધરાવે છે, જે હદે જ્ઞાતિ આધારિત અત્યાચારો થાય છે અને મુછ રાખવા કે ઘોડા પર બેસવા જેવી બાબતે હુમલા થવાની ઘટનાઓ સામે આવે છે એ જોતાં જ્ઞાતિ આધારિત અન્યાય અને અત્યાચારો ખાળવાના જેટલા કાયદા અસ્તિત્વ ધરાવે છે એ તમામ વામણા લાગે. આ વાતને અનામત અને જાતિવાદના મુદ્દે પ્રકાશ ઝાએ બનાવેલી ફિલ્મ ’આરક્ષણ’નો એક ડાયલોગ ખુબ જ ચોટડુક રીતે રજૂ કરે છે કે – ’એક ભારત મૈં દો ભારત બસતે હૈ!’ ઈતિસિદ્ધમ.