ઇફ્કોની ચૂંટણીએ વિવાદોનો વંટોળ સર્જ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
- Advertisement -
ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના મેન્ડેડના વિરોધમાં ચૂંટણી લડેલા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા વિજેતા બનતા છેલ્લા બે દિવસથી સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયુ છે. રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા પર પ્રહાર કર્યા હતા. તેણે જયેશ રાદડિયા સહિત તેમને મત આપનાર સભ્યો સામે પણ પ્રદેશ અધ્યક્ષ પગલાં લે તેવી માગ કરી હતી. સાથે જ સામાજિક સંસ્થાના એક આગેવાને પણ જયેશ રાદડિયા વિરૂદ્ધ મતદાન કરવા મતદારોને અપીલ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે, આ મામલે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, મેં પાર્ટી વિરૂદ્ધ કોઈ કામ કર્યું નથી. સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રના રાજકારણમાં વચ્ચે ન આવવું જોઈએ.
દેશની ટોચની સહકારી સંસ્થા ઇફ્કોમાં ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપ દ્વારા અમદાવાદનાં બીપીન પટેલને મેન્ડેડ આપવામાં આવ્યું હતું. જેની સામે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ચૂંટણી લડી હતી અને 114 મત મેળવી જીત મેળવી હતી. આ પછી તુરંત જ ભાજપનો આંતરિક જૂથવાદ ખુલ્લીને સામે આવી ગયો હતો. એક બાદ એક ભાજપના નેતા દ્વારા સામસામે નિવેદન કરવામાં આવ્યા હતા.
આજે રાજકોટ જિલ્લા ભાજપના નેતા બાબુ નસીત દ્વારા જયેશ રાદડિયા પર પ્રહાર કરવામાં આવ્યા હતા અને જયેશ રાદડિયાને મત આપનાર સભ્યો સામે પણ પ્રદેશ અધ્યક્ષ પગલાં લે તેવી માગ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ લોધિકા સંઘમાં મેન્ડેડ હોવા છતાં મારા વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા. આજે પણ સહકારી ક્ષેત્રમાં ભાજપ-કોંગ્રેસનું ઇલું ઇલું ચાલી રહ્યું છે. ડો. ડાયાભાઈ પટેલ અને મહમદ પીરજાદા બન્ને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કના સભ્યો છે. આ બન્ને સભ્યો કોંગ્રેસના છે અને ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું. અમારી સામે જેવી રીતે પગલાં લેવાયા તેવી જ રીતે જયેશ રાદડિયા સામે પાર્ટીએ પગલાં લેવા જોઈએ.
જયેશ રાદડિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઇફ્કોની ચૂંટણીમાં ભાજપે મેન્ડેડ આપ્યું તે પહેલા મેં ઉમેદવારી નોંધાવી હતી. મને ખબર પણ નહોતી કે ભાજપે મેન્ડેડ આપ્યું છે. લોકસભા ચૂંટણીમાં મારી વિધાનસભા વિસ્તારમાં મેં પાર્ટી માટે જ કામ કર્યું. મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી.
- Advertisement -
રાજકોટ જિલ્લા બેન્ક અને સહકારી માળખું ખેડૂત સભાસદો પર ચાલે છે. મારા પર આક્ષેપ કરે છે તેને મારે જવાબ આપવાના ન હોય. મારે ખેડૂત સભાસદોનું હિત જોવાનું છે. સામાજિક સંસ્થાના આગેવાનની દખલગીરી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોઈ સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ન આવવું જોઈએ. રાજકારણમાં સામાજિક સંસ્થાઓએ ન ઝંપલાવવુ જોઈએ. સામાજિક સંસ્થાઓના વડાને કહેવા માગું છું કે, સમાજમાં રાજકારણ કરવાને બદલે જો રાજકારણ કરવું જ હોય તો રાજનીતિમાં આવી જવું જોઈએ.
આ સાથે ઇફ્કોની ચૂંટણીમાં મતદારોને જયેશ રાદડિયા વિરૂદ્ધ મતદાન કરવા પાટીદાર સમાજની એક સંસ્થાના આગેવાન દ્વારા અપીલ કરવામાં આવી હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. આ અંગે ખોડલધામના પૂર્વ પ્રમુખ અને રાજકોટ બિલ્ડર એસોસિએશનનાં પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઈ પછી હવે જયેશભાઇ ખેડૂત નેતા છે તેને બધાએ સહકાર આપવો જોઈએ. ખેડૂતોના દુ:ખમાં દુ:ખી અને ખેડૂતોના સુખે સુખી નેતા તરીકે તેમની છાપ છે. ખેડૂતો માટે કામ કરી રહ્યા છે. જયેશભાઈ વિરૂદ્ધ મતદાન કરવા અપીલ સામાજિક અગ્રણીએ કરી હોવાની વાત મને મળી છે. ખરેખર આવું ન થવું જોઈએ અને જે-તે સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા તેમને સંસ્થામાંથી બરતફર કરવા જોઈએ. અને તેમનું રાજીનામું ટ્રસ્ટ દ્વારા લઈ લેવું જોઈએ.