ધારાસભ્ય અને મનપા સામે સોશિયલ મીડિયામાં કાર્ટૂન પોસ્ટર વાયરલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
સુરેન્દ્રનગરને મહા નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ હજુય સુરેન્દ્રનગર વાસીઓ પહેલાની માફક મુશ્કેલીમાં જ જીવન વિતાવી રહ્યા છે જેના ઉદાહરણ તરીકે વારંવાર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો દ્વારા રોડ ચક્કાજામ, પાલિકાનો ઘેરાવ, અધિકારીઓ સાથે બોલાચાલી સહિતની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવે છે. શહેરીજનોને પાણી, રોડ રસ્તા અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડેલા તંત્ર અને ધારાસભ્ય સામે મતદારોએ સૌથી મોટું શસ્ત્ર સોશિયલ મીડિયામાં વોર શરૂ કર્યો છે.
- Advertisement -
જેમાં ધારાસભ્ય જગદીશ મકવાણાને ” વઢવાણના ધારાસભ્યને વોટરોએ નાપાસ કર્યા” તથા મહાનગરપાલિકાના કમિશનરને “સમસ્યા ઉકેલવામાં કમિશનર ફેલ” સાથેના કાર્ટૂન પોસ્ટર વાયરલ કરી બળાપો કાઢ્યો છે. જોકે સુરેન્દ્રનગર શહેરીજનો અને મતદારોની વાત પણ કેટલાક અંશે સાચી છે કારણ કે મહાનગરપાલિકા થવા છતાં આજેય સુરેન્દ્રનગર શહેરમાં પાણીની સમસ્યા યથાવત છે સાથે જ રોડ રસ્તા અને સફાઈના આભાવે સામાન્ય વરસાદે પણ અનેક સોસાયટીઓમાં નર્કાગાર જેવી સ્થિતિ સર્જાય છે જેને લઇ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સકારાત્મક નિર્ણય આવ્યો નથી જ્યારે આ મામલે જ ધારાસભ્ય પાસે ગયા બાદ પણ માત્ર હૈયાધારણા સિવાય શહેરીજનોને નક્કર કામગીરી અને પરિણામ મળતું નથી જેના લીધે મતદારો પણ હવે કંટાળ્યા છે અને ધારાસભ્ય તથા કમિશનર સામે સોશિયલ મીડિયા પર કાર્ટૂન જાહેર કરી પ્રજાના પ્રશ્નો હલ કરવામાં નાકામિયાબ રહ્યા હોવાનું દર્શાવ્યું છે.



