અવકાશની સફરે!
એક બાજુ જાપાનીઝ અબજપતિ યસાકુ મિઆઝાવા એલન મસ્કના સ્પેસ-પ્રોજેક્ટમાં અવકાશની મુસાફરી કરવા જઈ રહ્યો છે અને બીજી બાજુ અવકાશયાત્રીઓ માટે ભવ્યાતિભવ્ય હોટલ બનાવવાના પ્લાન પર મહોર લાગી ચૂકી છે. ધરતી ખેડી લીધા બાદ હવે માનવજાત અવકાશ સર કરવા નીકળી પડી છે. સમગ્ર સૂર્યમંડળની પહેલીવહેલી સ્પેસ-હોટલના નિર્માણનું કામકાજ વર્ષ 2025માં શરૂ થવા જઈ રહ્યું છે, જે 2027ની સાલમાં પૂર્ણ થશે. આ હોટલ અવકાશમાં કોઈ એક સ્થાન પર સ્થિર ઉભી નહીં રહે. પૃથ્વીના ગુરૂત્વાકર્ષણબળનો ઉપયોગ કરીને તેને એવી રીતે બનાવવામાં આવશે, જેથી પૃથ્વી ફરતે તે 90 મિનિટમાં આખી પ્રદક્ષિણા પૂરી કરી શકે. 400 લોકો એકીસાથે હોટલમાં પ્રવેશ મેળવીને પૃથ્વી ફરતે ભ્રમણ કરી શકશે. ધરતી પરની ફાઇવ-સ્ટાર હોટલ્સની માફક અહીં પણ બાર, લોન્જ, સિનેમા, સ્પા સહિત અત્યાધુનિક સગવડો ઉભી કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર આ અઠવાડિયે ‘સ્પેસ-હોટલ’નો ખાસ્સો દબદબો જોવા મળ્યો.
વડાપ્રધાનની વેક્સિન ડ્રાઇવ
ભારતભરમાં દરરોજ લાખો લોકો કોરોનાની વેક્સિન લઈ રહ્યા છે. પહેલા ફેઝમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને વેક્સિન આપી દીધા બાદ હવે દેશના વયોવૃદ્ધ લોકો અને નેતાઓને હવે વેક્સિન આપવામાં આવી રહી છે. સરકારી હોસ્પિટલ્સમાં વેક્સિન નિ:શુલ્ક મળી રહી છે, જ્યારે પ્રાઇવેટ લેબોરેટરીમાં 250 રૂપિયાના નિમ્નતમ દર પર ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. આખા ભારતને જેની રાહ હતી, એ ઘડી પણ આ અઠવાડિયે આવી પહોંચી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે દિલ્હી એઇમ્સ ખાતે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લેવા પહોંચ્યા. એમણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફોટો અપલોડ કરીને આ અંગે જાણ કરી. ત્યારપછી તો ગુજરાતના મોટા મોટા નેતાઓએ પણ વેક્સિન લઈ લીધી. વડાપ્રધાનના વેક્સિનેશનથી ભારતીયોનો કોરોના રસી પરનો ભરોસો વધુ દ્રઢ થયો.
- Advertisement -
ઑટીટીનો સપાટો!
આ અઠવાડિયે નેટફ્લિક્સ અને ફિલ્મ-મેકર કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ દ્વારા સોશિયલ મીડિયા પર સપાટો બોલાવી દેવામાં આવ્યો. એક બાજુ સિનેમાઘરો ખૂલવા માંડ્યા છે અને ઑટીટી પર વેચાયેલી ફિલ્મો ફરી વખત મોટા પડદે રીલિઝ થવા જઈ રહી છે અને બીજી બાજુ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ સહિતના ઑટીટી પ્લેટફોર્મ્સ પણ પોતાના પ્રેક્ષકો માટે કંઈક અવનવું પીરસવાની પેરવીમાં છે. એન્ટરટેઇનમેન્ટની આ સ્પર્ધામાં ટકી રહેવા માટે નેટફ્લિસ્ક દ્વારા આખા વર્ષના કોન્ટેન્ટનો પ્લાન જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં શી (સિઝન-2), દિલ્હી ક્રાઇમ (સિઝન-2), લિટલ થિંગ્સ (સિઝન-4), મિસમેચ્ડ (સિઝન-2) વગેરે અનેક વેબસીરિઝ અને ફિલ્મોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. કરણ જોહરના ઑટીટી ડિપાર્ટમેન્ટ ‘ધર્મેટિક’ દ્વારા અઢળક વેબસીરિઝ ચાલુ વર્ષે રીલિઝ કરવામાં આવશે, જેનું પણ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ’ધર્મા પ્રોડક્શન્સ’ને 40 વર્ષ પૂરા થતાં કુલ 14 નવા ડિરેક્ટર્સને હવે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જેઓ અલગ અલગ જોનરની વેબસીરિઝ, ફિલ્મો બનાવીને આગામી વર્ષોમાં ભારતીય પ્રેક્ષકોને નવું કોન્ટેન્ટ પીરસવા જઈ રહ્યા છે. બાય ધ વે, કોમેડિયન કપિલ શર્મા પણ થોડા જ સમયમાં નેટફ્લિક્સ પર કંઈક લઈને આવી રહ્યો છે. તેનો પ્રોમો સોશિયલ મીડિયા પર પુષ્કળ વાયરલ થયો.
તુજે ન ભૂલેંગે આયેશા!
અમદાવાદમાં આ અઠવાડિયે એક એવી દુ:ખદ ઘટના બની, જેણે આખા દેશને હચમચાવી મૂક્યો. જુવાનજોધ આયેશાએ હ્રદય વલોવી નાંખતો બે મિનિટનો વીડિયો અપલોડ કરીને આત્મહત્યા કરી લીધી. સાસરી અને પતિ આરિફ તરફથી ત્રાસ મળતો હોવાની વાત આ ઘટના પાછળ કારણભૂત હોવાનો ખુલાસો સામે આવ્યો છે. આયેશાએ જે રીતે હસતાં-હસતાં મૃત્યુને ગળે વળગાડ્યું, એ જોઈને તમામની આંખોમાં પાણી આવી ગયા. સોશિયલ મીડિયા પર તેને ન્યાય આપવાની જોરશોરથી માંગ ઉઠી. આયેશાની આંખોમાં થીજી ગયેલા આઘાત, નિરાશા અને પીડા લોકો કદાચ ક્યારેય નહીં ભૂલી શકે.