દર અઠવાડિયે કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. તો, ‘ખાસ ખબર’ આપના સમક્ષ ટ્વિટર, વોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમધોકાર વાયરલ થયેલી પોસ્ટ્સ પ્રસ્તુત..
પરખ ભટ્ટ
’MI’ના ફોનએ સગાઈ તોડાવી!
આપણા ગુજરાતીઓ વાયરલ કોન્ટેન્ટ આપવામાં કદી પાછા નથી પડતાં, એ વાત ફરી એક વખત પૂરવાર થઈ ગઈ છે. ચાલુ અઠવાડિયે વાયરલ થયેલી એક ફોન-ઑડિયો ક્લિપ તમારો દિવસભરનો થાક ઉતારી દે એટલી હદ્દે હાસ્ય નીપજાવનારી છે! મૂળ મુદ્દો શરૂ થાય છે: એમ.આઈ. કંપનીના ફોનની ગિફ્ટ સાથે! પાંચ લોકો આની સાથે સંકળાયેલા છે. હીના, હીનાની બહેન, હીનાનો મંગેતર, હીનાના સસરા અને હીનાની સાસુ! સગાઈ બાદ હીનાના મંગેતર તરફથી હીનાને 13 હજારનો ‘એમ.આઈ.’નો ફોન ગિફ્ટ મળ્યો. પણ હીનાની બહેન સખણી ન બેઠી! એના મત મુજબ, એમ.આઈ.નો ફોન તો સાવ ‘હલકો’ ગણાય. એટલે એણે તાત્કાલિક હીનાના સસરાને ફોન કરીને કીધું કે, ‘કાકા, અમારી હીનાના સ્ટેટસનું શું? એની બેનપણીઓને એ કયા મોંઢે એમ કહે કે એને એમ.આઈ.નો ફોન ગિફ્ટમાં મળ્યો છે? અમારી ઇજ્જત હોય કે નહીં? એપલનો આઇફોન મળે તો કંઈક માભો કહેવાય!’ 15-16 મિનિટ લાંબી આ ફોન-ક્લિપમાં હીનાની બહેને ’એમ.આઈ.’ ફોન માટે ઓછામાં ઓછી 20 વખત ‘હલકો’ શબ્દ વાપર્યો હશે! અંતે, હીનાની સાસુ કહી દે છે કે, ‘બેન આવા નખરા અમને ન પોસાય. તમે તમારી હીનાને ત્યાં જ રાખો, અમને એ વહુ તરીકે ન ચાલે.’ તોય, સો વાતની એક વાત સાહેબ, આખી ક્લિપ સાંભળ્યા બાદ ખુદ ‘એમ.આઈ.’ કંપનીને પોતાના પરથી વિશ્વાસ ઉઠી ગયો છે! તેઓ વિચારતાં હશે, ‘અમે ખરેખર આટલા હલકા છીએ?’ લોલ!
કમલમ હી કમલમ, સદૈવ મંગલમ!
અરે બાપ્પા, આ ‘કમલમ’એ તો પાછલા દિવસોમાં ભારે ઉપાડો લીધો. ડ્રેગન ફ્રુટ તરીકે જાણીતાં એક ફળનું મોટું ઉત્પાદક કચ્છ છે. પરંતુ તેના નામ બાબતે ભારે અસંતોષ હતો, કારણકે એ ચીની લાગતું હતું. એટલે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જોરશોરથી જાહેરાત કરી દીધી કે, હવેથી ‘ડ્રેગન ફ્રુટ’ને આપણે ‘કમલમ’ તરીકે ઓળખીશું. આ ઘટના રાષ્ટ્રીય સ્તરે વાયરલ થઈ. કેટકેટલા સિલેબ્રિટીઓએ તેના પર મીમ્સ બનાવીને લખ્યું, ‘શહેરો સુધી તો ઠીક હતું, હવે ફળોના પુન:નામકરણ તો રહેવા દો!’ અને, આ સાથે વિજયભાઈનું એક સ્ટેટમેન્ટ આખા દેશના સોશિયલ મીડિયા માટે ગોસિપનું માધ્યમ બન્યું. વળી, ભાજપના પ્રદેશ કાર્યાલયનું નામ ‘કમલમ’ હોવાથી ગુજરાતીઓએ તો બમણા ઉત્સાહથી મીમ્સ બનાવીને વાયરલ કર્યા. વિજયભાઈએ તો આ નામે પેટન્ટ મેળવવાની પણ જાહેરાત કરી દીધી છે!
- Advertisement -
‘ગાબા’ના ગાભા કાઢી નાંખ્યા!
ઑસ્ટ્રેલિયન ટેસ્ટ-મેચ શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમે 2-1થી ભવ્ય વિજય મેળવ્યો. ઑસ્ટ્રેલિયાના ગાબામાં ભારતીય ક્રિકેટ ટીમનો પરાજય જ થશે, એવું ઘણા પૂર્વ ક્રિકેટરો કહી ચૂક્યા હતાં. પણ થયું સાવ ઉલ્ટું! ઑસ્ટ્રેલિયાની કારમી હાર બાદ ભારતના ઘણા સિલેબ્રિટી અને મહાનુભાવોએ આપણા ક્રિકેટરોને અભિનંદન પાઠવ્યા. તો બીજી બાજુ, શશી થરૂર જેવા વિચક્ષણ રાજકારણીએ ડિક્શનરીમાંથી ‘એપિકૈક્રિકેસી’ માફક ભારે-ભરખમ શબ્દ પસંદ કરીને ઑસ્ટ્રેલિયન ક્રિકેટ-ટીમ પર વ્યંગ્ય કર્યો.
‘તાંડવ’ પર તહોમત!
સૈફ અલી ખાન અને મોહમ્મદ ઝીશાન આયુબ આ અઠવાડિયે ચર્ચાનો વિષય રહ્યા. એમેઝોન પ્રાઇમ પર રીલિઝ થયેલી ‘તાંડવ’ વેબસીરિઝમાં મોહમ્મદ ઝીશાન આયુબનો શિવ-અવતાર સીન પ્રેક્ષકોએ વખોડી કાઢ્યો છે. સ્ટેજ પર શંકરની વેશભૂષામાં આવીને તે ગાળ બોલે છે, એ દ્રશ્ય સામે વાંધો ઉઠ્યો છે. એક પછી એક કોર્ટ-કેસ ફાઇલ થઈ રહ્યા છે. અલી અબ્બાસ ઝફર સહિત તમામ મેકર્સે કોર્ટમાં હાજર થવું પડે એવી નોબત છે. બીજી બાજુ, સમાધાનના ભાગરૂપે હવે ‘તાંડવ’ના કેટલાક વાંધાજનક દ્રશ્યો પર કાતર ફરી રહી છે. લેટેસ્ટ અપડેટ મુજબ, ઉત્તરપ્રદેશની પોલીસે વેબસીરિઝની ટીમ પર કેસ દર્જ કર્યો છે, કારણકે સીરિઝમાં યુ.પી. પોલીસને ખરાબ ચીતરવામાં આવી છે. ‘તાંડવ’ પરનું આ તહોમતનામું હવે ઑટીટી પ્લેટફોર્મના સ્વચ્છંદી પવન પર રોક લગાવશે, એવું લાગી રહ્યું છે.
અર્ણબની અરેરાટી!
અર્ણબ ગોસ્વામી પર ચર્ચા-વિચારણા અને વાદ-વિવાદો શમવાનું નામ જ નથી લઈ રહ્યા. પહેલાં ટીઆરપી કૌભાંડ અને હવે પુલવામા હુમલા બાબતે સામે આવેલી વોટ્સએપ વાતચીત! શંકા સેવાઈ રહી છે કે, કદાચ અર્ણબે જેલભેગું થવાનો વખત આવે. એમાં પણ હમણાં તેના વોટ્સએપ પર એક એવી ચેટ સામે આવી છે જેમાં ‘ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર’ના પૂર્વ-સીઈઓ અર્ણબને જજ ખરીદી લેવાની સલાહ આપી રહ્યા છે. ટીઆરપી કૌભાંડ વખતની આ ચેટ છે, જેમાં પૂર્વ-સીઈઓ અર્ણબને કહી રહ્યા છે, ‘જજ બનાવ્યા જ છે, ખરીદવા માટે!’
- Advertisement -
‘રામ’ પર એક બિભત્સ ટિપ્પણી અને એક મહિનાનો જેલવાસ!
સાચું સમજ્યા! વાત થઈ રહી છે, યુવા કમેડિયન મુનવ્વર ફારૂકીની. તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો મૂકાયો હતો, જેમાં તે ‘મેરા પિયા ઘર આયા, ઓ રામજી’ ગીત અને રામના નામ સાથે અપશબ્દો બોલીને વ્યંગ કરી રહ્યો છે. ભાજપના એક મોટા માથાના દીકરાએ મુનવ્વર પર ફરિયાદ નોંધાવી. અને હવે, મુનવ્વર જેલમાં છે. આ ઘટના તો એક મહિના પહેલાં બની હતી. પરંતુ સોશિયલ મીડિયા પર જે ચર્ચા ચાલી રહી છે, એ તેના જેલવાસ અંગે છે. મુનવ્વરને જામીન ન મળે એ માટે પોલીસ કોર્ટમાં ચાર્જશીટ જ રજૂ નથી કરી રહી. મધ્યપ્રદેશના પોલીસ-સ્ટેશનમાં ધરપકડ થયા બાદ આજે એક મહિનો વીતી ગયો હોવા છતાં મુનવ્વરને જામીન નથી મળ્યા. મધ્યપ્રદેશ અને રાજસ્થાન કોંગ્રેસના કેટલાક મંત્રીઓ મુનવ્વરની વહારે આવ્યા છે, આમ છતાં હજુ તે ક્યારે જેલની બહાર નીકળશે એ નક્કી નથી. બીજું એ કે, બહાર આવ્યા બાદ હવે તે એન્ટરટેઇનમેન્ટ ફિલ્ડમાં ટકી શકશે કે નહીં તે પણ પ્રશ્ર્ન છે.