ન્યૂયોર્કમાં 744 દિવસ બાદ હિમવર્ષા થઈ: દક્ષિણી મેસેચ્યુસેટ્સ તરફ વધી રહ્યુ છે તોફાન
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના ઉત્તર-પૂર્વીય કિનારા પર બરફના તોફાને ખૂબ તબાહી મચાવી છે. ન્યૂયોર્ક, પેન્સિલવેનિયા અને મેસેચ્યુસેટ્સમાં સ્કુલ-કોલેજ બંધ કરી દેવાઈ છે. લગભગ 1200 ફ્લાઈટ્સને રદ કરી દેવાઈ છે. જેમાંથી મોટાભાગની ફ્લાઈટ ન્યૂયોર્ક અને બોસ્ટનથી રવાના થવાની હતી. આ સિવાય 1700 ફ્લાઈટ મોડી રવાના થઈ. પોલીસે કહ્યુ કે તોફાનના કારણે પેન્સિલવેનિયામાં એક 20 વર્ષીય યુવકનું મોત નીપજ્યુ છે.
પૂર્વી પેન્સિલવેનિયાથી લઈને મેસેચ્યુસેટ્સમાં સવારે ભારે હિમવર્ષા પણ થઈ. તેનાથી 50 મિલિયન (5 કરોડ) લોકો પ્રભાવિત થયા. મંગળવારે 15.5 ઈંચ એટલે કે 39 સેમી હિમવર્ષા નોંધાઈ. હિમવર્ષાથી પેન્સિલવેનિયાના 1,50,000 ઘરની વીજળી ગુલ થઈ ગઈ.
બરફના તોફાનથી ટ્રાફિક પર પણ અસર પડી. બોસ્ટન અને ન્યૂયોર્કમાં કાર દુર્ઘટનાઓની ઘટના સામે આવી. અમુક વિસ્તારોમાં માર્ગો પર કમર્શિયલ વાહનો પર પ્રતિબંધ લગાવી દેવાયો. લોકોને જરૂરી ન હોય તો મુસાફરી ન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.
ન્યૂયોર્ક શહેરમાં 744 દિવસ બાદ હિમવર્ષા થઈ. ત્યાં બે વર્ષમાં 2.5 ઈંચથી વધુ બરફ જોવા મળ્યો નથી. સેન્ટ્રલ પાર્કમાં 3.2 હિમવર્ષા થઈ. જેનાથી જાન્યુઆરી 2022 બાદ આ ન્યૂયોર્કનું સૌથી બર્ફીલો દિવસ બની ગયો. ન્યૂયોર્કમાં પહેલા શિયાળામાં હિમવર્ષા થવી સામાન્ય વાત હતી પરંતુ હવે આવો નજારો જલ્દી જોવા મળતો નથી. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યુ કે હવે શિયાળો ઘટી રહ્યો છે. ઉનાળો વધુ દિવસ સુધી રહે છે. મંગળવારે બપોરે તોફાન ન્યૂયોર્કથી પૂર્વ કનેક્ટિકટ, રોડ આઈલેન્ડ અને દક્ષિણી મેસેચ્યુસેટ્સ તરફ વધવા લાગ્યુ. પેન્સિલવેનિયાના અમુક વિસ્તારોમાં એક ફૂટ હિમવર્ષા થઈ છે. પેન્સિલવેનિયા અને મેસેચ્યુસેટ્સમાં 50,000થી વધુ લોકોના ઘરે હજુ પણ વિજળી નથી.