– જે કન્ટેનરમાં ભોજન રાખવામાં આવ્યું હતું તેમાં મરેલો સાપ હતો: સ્ટાફમાંથી ઘણાયે કબૂલ્યું
પશ્ચિમ બંગાળના બીરભૂમ જીલ્લાના મયૂરેશ્વર બ્લોકમાં આવેલી એક શાળામાં મિડન્ડે-મીલમાં મરેલો સાપ મલી આવ્યાની ઘટના બહાર આવી છે. તેથી તે સ્કુલમાં 30 બાળકો બીમાર પડી જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. જે પૈકી 29 સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી હતી. એક બાળકની સારવાર ચાલુ છે.
આ અંગે પ્રાપ્ય માહિતી પ્રમાણે સ્કુલ સ્ટાફે જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન લીધા પછી તે બાળકોને ઉલ્ટીઓ થવા લાગી હતી. તેથી તેમને રામપુર-હાટ-મેડીકલ કોલેજની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.
બીડીઓ દીપાંજન જાનાએ પત્રકારોને કહ્યું હતું કે અમને કેટલાએ ગ્રામવાસીઓ દ્વારા આ ખબર મળતા અમે પ્રાયમરી સ્કુલના ડીસ્ટ્રિક્ટ ઈન્સ્પેકટરને સ્થળ ઉપર પહોંચી તપાસ કરવા જણાવી દીધું છે. રાહતની વાત તે છે કે હવે તમામ બાળકો ભયમુક્ત છે. માત્ર એક બાળકની સારવાર ચાલી રહી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તે ઘટના પછી બાળકોના માતા પિતા સ્કુલ ઉપર પહોંચ્યા હતા અને હેડ માસ્તરનો ઘેરાવ કર્યો હતો. તેની મોટરસાયકલ તોડી નાખી હતી. જોકે પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડયો અને બાળકોના માતા પિતાને સમજાવી ઘરે મોકલ્યા હતા.