ભગવતીપરામાં 9 કલાક બંધ લાકડાના વેપારીના મકાનને નિશાન બનાવતા તસ્કરો
અંદાજે 35 લાખનો હાથફેરો : DCB, LCB, બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્કોટમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ વધુ એક મોટો હાથફેરો કરી પોલીસને પડકાર ફેક્યો છે ભગવતીપરા વિસ્તારમાં રહેતા લાકડાના વેપારીને ત્યાં ગઈ રાતે તસ્કરોએ ત્રાટકીને 9 લાખનઇ રોકડ, 28 તોલા સોનું એક કિલો ચાંદી સહિત અંદાજિત રૂપિયા 35 લાખની મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટતા ખળભળાટ મચી ગયો હતો.
બનાવની જાણ થતા ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બી.ડિવિઝન, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી સહિતની પોલીસની ટીમોએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ પણ આદર્યો હતો. ભગવતીપરા શેરી નંબર 15માં રહેતા અને લાકડાનો વેપાર કરતાં દર્શનભાઈ મુકેશભાઈ ચૌહાણ ઉ.22 તેમની માતા અને નાની બહેન સાથે રહે છે. ગઈકાલે તેઓ મકાનને તાળું મારી થોરાળા વિસ્તારમાં રહેતા તેમના સંબંધીને ત્યાં આટો મારવા માટે ગયા હતા રાતના સમયે પરત આવવામાં મોડું થતા તેઓ ત્યાં જ રોકાઈ ગયા હતા અને આજે સવારે ભગવતીપરામાં પોતાના મકાને પરત આવીને જોયું તો મકાનને મારેલું તાળું યથાવત હતું તાળું ખોલી તેઓ અંદર પ્રવેશતા જ રૂમમાં રહેલ માલ સામાન વેરવિખેર પડેલ હતો. જેથી તુરંત રૂમમાં તપાસ કરતાં કબાટમાં રાખેલ રોકડ રૂપિયા 9.5 લાખ તેમજ અંદાજિત 28 તોલા સોનું અને એક કિલો ચાંદી સહિત 35 લાખની મતા જોવા ના મળતા પરિવાર ભયભીત થઈ ગયો હતો મકાનમાં તપાસ કરતા પાછળના ભાગે આવેલ નવેરામાં લગાવેલ ગ્રીલ તુટેલ હાલતમાં જોવા મળતા તેઓને મકાનમાં ચોરી થયાની જાણ થઈ હતી તસ્કરોએ લાખોની રોકડ, સોનુ અને ચાંદીની ચોરી કરી નાસી છુટતા ખળભળાટ મચી ગયો હતો ચોરીનો ભેદ ઉકેલવા સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.