ખાસ-ખબર ન્યૂઝ સુરત, તા.2
થોડા સમય પહેલા અમદાવાદમાં એક પાલતું રોટવાઇલર શ્વાને ચાર મહિનાની નાનકડી બાળકીને ફાડી ખાધી હતી. આ કરૂણ ઘટનામાં દીકરીના મોતથી આખા શહેર સહિત રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સુરત શહેરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં પાલતું પ્રાણીઓના માલિકોએ તેમના શ્વાનની નોંધણી કરાવવા અને લાયસન્સ મેળવવા માટે 10 પાડોશીની એનઓસી લેવી પડશે. જોકે, એસએમસીના આ નિર્ણયથી અનેક પ્રાણી પ્રેમીઓમાં નારાજગી પણ દેખાઈ રહી છે.
સુરત મહાનગર પાલિકાના માર્કેટ સુપરિટેન્ડેન્ટ, ડો. દિગ્વિજય રામે આ અંગે જણાવ્યુ છે કે, 2008ની સામાન્ય સભામાં ઠરાવ પસાર થયો હતો જેના આધારે, ડોગ રાખવા માટે લાયસન્યની પ્રક્રિયા હોય છે. જેના આધારે સોસાયટીમાં રહેતા લોકો પોતાના ડોગ માટે લાયસન્સ અપાવી શકે. આ પ્રક્રિયામાં વેરા બિલ, ઓળખ કાર્ડ જેવી જરૂરી માહિતી લઈએ છીએ. આ સાથે જો સોસાયટીમાં રહેતા હોવ તો આસપાસના 10 લોકોનું એનઓસી લઈએ છીએ અને જો એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો તેમના પ્રમુખ કે મંત્રીનું સહી સિક્કાવાળું એનઓસી લઇએ છીએ. જેના કારણે ત્યાંના રહેવાસીઓને ખ્યાલ આવે કે આ લોકો ડોગ રાખે છે.
- Advertisement -
અમદાવાદની કરૂણ ઘટના
અમદાવાદમાં મે મહિનામાં ઘણો જ કરૂણ કિસ્સો બન્યો હતો. શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાધે રેસિડન્સીમાં પાલતુ રોટવાઇલર શ્વાને ચાર મહિનાની બાળકીને બચકાં ભરતા તેનું મોત નીપજ્યું હતુ. આ આખી કરૂણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અમદાવાદના હાથીજણ સર્કલ પાસેની રાધે રેસિડેન્સીમાં શ્વાને ચાર મહિનાની બાળકીને યુવતીના ખોળામાંથી ખૂંચવી લઈ બચકા ભર્યા હતા. ત્યાર બાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ આખી ઘટના સીસીટીવી ઘણાં જ વાયરલ થયા હતા.