PGVCL દ્વારા 500 જેટલા મીટર લગાવી નવતર પ્રયોગ શરૂ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
ધ્રાંગધ્રા શહેરમાં સરકારી અધિકારીઓના ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયું છે. આમ વીજ ગ્રાહકોને જાગૃત કરવા પીજીવીસીએલનો નવો પ્રયોગ હાથ ધરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર તાલુકામાં ઘર ઘર સ્માર્ટ વીજ મીટર યોજના અમલી બનાવવામાં આવી રહી છે. પરંતુ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટરને લઇ અનેક શંકાઓ હોવાથી, સરકારે શંકાના સમાધાન માટે નવો પ્રયોગ શરૂ કરાયો છે અને વીજ ગ્રાહકોમાં મીટરનો લઇ જાગૃતા આવે તે માટે ધ્રાંગધ્રા શહેરમાં અંદાજે 500 જેટલા સરકારી અધિકારી અને કર્મચારીને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
- Advertisement -
જોકે, પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓના ઘરે મીટર લગાવવાની પ્રાથમિક્તા અપાઇ રહી છે. કેન્દ્ર સરકારના સ્માર્ટ મીટરના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ રાજ્યમાં અંદાજે 6 લાખ વીજ ગ્રાહકોને ત્યાં જ લગાવાયા છે. જેની પાછળનું કારણ સ્માર્ટ મીટરને લઇ અનેક શંકા-કુશંકા હોવાથી સ્માર્ટ મીટર લગાવવાનું કામ મંદ પડી રહ્યું છે. પરંતુ તેનો પણ સરકારે ઇલાજ શોધી નાંખ્યો હોય તેમ વીજ ગ્રાહકોને જાગૃત કરવા માટે સૌ પ્રથમ ધ્રાંગધ્રા શહેરમાં પીજીવીસીએલના અધિકારીઓના ઘરે, પોલીસ ડિપાર્ટમેન્ટ, રેલવે કોલોની હોસ્પિટલ, ફોરેસ્ટ ઓફિસ સહિતના સરકારી અધિકારીઓના ઘરેથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયું છે. ત્યારે ધ્રાંગધ્રામાં પણ પીજીવીસીએલના અને અન્ય સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ મળી કુલ 500 અધિકારીને ઘરે સ્માર્ટ મીટર લગાવવાનો કીમિયો હાથ ધરાયો છે.