વેટિકન સરકાર દોષિત ગુનેગારોને ઈટાલીની જેલમાં રાખે છે
પોપને અંતિમ નિર્ણય લેવાનો અધિકાર અપાયો છે
- Advertisement -
દરેક દેશમાં ગુનેગારો માટે જેલની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ જ્યારે તમને ખબર પડે કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં જેલ નથી. તો શું તમે માની શકશો ? તો શું ત્યાં કોઈ ગુના થતાં નથી ? તો એવું નથી. અહીં ક્રાઈમ રેટ અન્ય દેશો કરતાં ઘણો વધારે છે. આજે આ અહેવાલમાં આ દેશ વિશે ચર્ચા કરવામાં આવશે.
વેટિકન સિટી રોમની મધ્યમાં સ્થિત એક અનોખો દેશ છે. તે વિશ્વનું સૌથી નાનું સ્વતંત્ર રાજ્ય છે, જેનો કુલ વિસ્તાર માત્ર 49 હેક્ટર છે. અહીંની કુલ વસ્તી 2023 મુજબ લગભગ 764 લોકો છે જે મોટાભાગે પાદરીઓ અને ચર્ચનાં કર્મચારીઓ છે. આ નાનકડા દેશમાં ગુનાખોરીનો દર બીજા ઘણાં દેશો કરતાં ઘણો વધારે છે. જો કે, અહીં મોટાભાગનાં ગુનાઓ નાનાં હોય છે જેમ કે પાકીટની ચોરી, પર્સની ચોરી અથવા છીનવી લેવા જેવા ગુનાઓ થાય છે. આ ગુનાઓ મુખ્યત્વે સેન્ટ પીટર બેસિલિકા અને વેટિકન મ્યુઝિયમની મુલાકાત લેતાં પ્રવાસીઓ દ્વારા કરવામાં આવે છે.
રસપ્રદ વાત એ છે કે, વેટિકન સિટીમાં કોઈ જેલ નથી. જ્યારે કોઈ વ્યક્તિ ગુનો કરે છે અને પકડાય છે ત્યારે તેને ઈટાલીની જેલમાં રાખવામાં આવે છે. વેટિકન અને ઈટાલી વચ્ચે એક કરાર છે જેનાં હેઠળ વેટિકનના ગુનેગારોને ઈટાલીની જેલમાં રાખવામાં આવે છે. વેટિકનનું પોલીસ દળ, જેને જેન્ડરમેરી કહેવાય છે. જેમાં 130 જેટલાં સભ્યો છે. આ સુરક્ષા કર્મચારીઓ 24 કલાક પેટ્રોલિંગ કરે છે અને પોપ તેમજ પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. વેટિકનમાં સ્વિસ ગાર્ડ પણ તૈનાત છે જે પોપની અંગત સુરક્ષાનું ધ્યાન રાખે છે.
- Advertisement -
પોપને અંતિમ નિર્ણય લેવાનો અધિકાર છે
વેટિકનની ન્યાયિક પ્રણાલી પણ અનન્ય છે. અહીં ત્રણ-સ્તરની કોર્ટ સિસ્ટમ છે એક ટ્રાયલ કોર્ટ, બીજી અપીલ કોર્ટ અને ત્રીજી સુપ્રીમ કોર્ટ. જો કે, મોટાભાગનાં કિસ્સાઓમાં પોપને અંતિમ નિર્ણય લેવાનો અધિકાર હોય છે. આર્થિક ગુનાઓના મામલામાં વેટિકન બેંક પણ ચર્ચામાં રહી છે. તેના પર ઘણી વખત મની લોન્ડરિંગના આરોપો લાગ્યાં છે. તેથી, આ બેંકમાં કડક દેખરેખ રાખવામાં આવે છે અને પારદર્શિતા જાળવવાના પ્રયાસો કરવામાં આવે છે.