એરપોર્ટથી હેડક્વાર્ટર સુધીના રોડ શોને પ્રચંડ પ્રતિસાદ: મોદી…મોદી..ના નારા લાગ્યાં
વડાપ્રધાને સાયન્સ મ્યુઝિયમ, લાઈટ હાઉસ, ત્રણ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું: અમુલ પ્લાન્ટ, રાજકોટ-જેતપુર સિક્સ લેન અને ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત
- Advertisement -
રંગીલા રાજકોટથી વાઈબ્રન્ટ ગુજરાત અને ત્યાંથી ન્યૂ ઈન્ડિયા સુધીની મોદીની સફર
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન મોદીએ ગઈકાલે રાજકોટમાં સભા ગજાવી હતી. જ્યાં 1 લાખથી વધુ લોકો જોડાયા હતા. જ્યારે મોદીએ એરપોર્ટથી રેસકોર્સ સુધીનો રોડ શો યોજ્યો હતો. વડાપ્રધાનની એક ઝલક મેળવવા રાજકોટવાસીઓ રોડ-શોમાં ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા હતા. એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના સમગ્ર માર્ગમાં રાજકોટવાસીઓએ પ્રધાનસેવકને ઉમંગ ઉલ્લાસથી આવકાર્યા હતા. જન જનના મુખે એક જ નામ “મોદીજી આપકા સ્વાગત હૈ” સાંભળવા મળ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન રેસકોર્સ ખાતે સ્ટેજ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ રીમોટ કંટ્રોલથી સાયન્સ મ્યુઝિયમ, લાઈટ હાઉસ પ્રોજેક્ટ ત્રણ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું જ્યારે અમુલ પ્લાન્ટ, રાજકોટ-જેતપુર સિક્સ લેન, ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સિવાય શાસ્ત્રી મેદાન ખાતે શરૂ થયેલી ત્રણ દિવસીય અર્બન હાઉસિંગ કોન્કલેવ – 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. સ્ટેજ પર કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પુરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા, જીતુ વાઘાણી, અરવિંદ રૈયાણી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
મોદીએ કેમ છો રાજકોટ કહીને સભાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે વિપક્ષો પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડથી લાખો રૂપિયાનો લાભ લોકોને મળી રહ્યો છે. ગરીબીના નારા તો બહુ ચાલ્યા ‘આધી રોટી ખાયેંગે’ જેવા નારા ચાલતા, પણ આપણે નારા જ બંધ કરાવી દીધા અને કોઈ ભૂખ્યું ન રહે તેવા દિવસો લાવ્યા. આ લોકોએ મહેલો બનાવી દીધા પણ મેં ગરીબોને પાકા ઘર આપ્યા. રાજકોટનું તો ઉદ્યોગોમાં નામ છે. મોરબી, જામનગર આખો પટ્ટો મિની જાપાનની જેમ આગળ વધશે તેવું કહેતો ત્યારે લોકોએ મારા વાળ ખેંચી લીધા હતા, મજાક કરતા હતા. પણ મિત્રો આજે આ સપના સાકાર થયા કે નહીં. ઘર આપવાની યોજના હોય તેને લઈને પ્રગતિ કરવાની વાત હોય તો ગુજરાતમાં 10 હજાર પાકા ઘર લોકોને આપી દીધા છે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, તમે મને આશીર્વાદ આપ્યા એટલે હું બે દાયકાથી જવાબદારી નિભાવી રહ્યો છું. આપના ચરણોમાં આજે વિકાસના કામોની ભેટ ધરું છું. રાજકોટે જે શીખવાડ્યું એ દેશને કામ આવી રહ્યું છે.
- Advertisement -
PM મોદી અને વજુભાઈની અતૂટ દોસ્તી
નરેન્દ્ર મોદી જ્યારે પણ રાજકોટ આવે ત્યારે તેના પરમ મિત્ર ગણાતા કર્ણાટકના પૂર્વ ગવર્નર અને સિનિયર નેતા વજુભાઈ વાળાની અચૂક મુલાકાત લે છે અને તેની સાથે હળવાશની પળો પણ માને છે નરેન્દ્ર મોદી પોતાનું વડાપ્રધાનનું પદ ભૂલીને એક મિત્રની જેમ વજુભાઈને મળે છે જ્યારે સભામાં પણ ઉલ્લેખ કર્યો કે, વજુભાઈએ સીટ ખાલી કરી અને મને તમે વધાવી લીધો. આ રાજકોટનું ઋણ ક્યારેય ન પૂરું કરી શકું, હું તમારો કર્જદાર છું. આમ નરેન્દ્ર મોદી અને વજુભાઈ વાળાની દોસ્તી અતૂટ મનાય છે.
હળ, રેંટિયો, રામ મંદિર, ખેસ, પાઘડી, શાલ, ભગવદ ગીતા, પુષ્પો દ્વારા અભિવાદન
આ તકે મુખ્યમંત્રી દ્વારા રામ મંદિરનું સ્મૃતિચિહ્ન વડાપ્રધાનને એનાયત કરવામાં આવ્યું હતું. ત્યારે મંત્રીઓ દ્વારા રેંટિયો અને હળના સ્મૃતિચિહ્ન આપીને આવકારવામાં આવ્યા હતા. રાજકોટના મેયર તથા અન્ય અધિકારીઓ દ્વારા સૌરાષ્ટ્રની આગવી ઓળખ એવા પટોળાની ખેંસ અને પાઘડી પેહરાવીને અને ભગવદ્ ગીતા અને શાલ વડે ઓઢાડી હતી જ્યારે રાજકોટ શહેર અને મોરબી જિલ્લા પંચાયત પ્રમુખઓ દ્વારા વિવિધ સ્મૃતિચિહ્નો અને સામજિક અગ્રણીઓ દ્વારા સ્વામી વિવેકાનંદની મૂર્તિ એનાયત કરવામાં આવી હતી.
મોદી અને રૂપાણી વચ્ચે ફરી ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્ટેજ પર પોતાની સમીપ બોલાવ્યા હતા. અગાઉ જામકંડોરણામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દ્રશ્યો જોઈને રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.
રાજકોટમાં ગઈકાલે કેન્દ્રના હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 19 થી 21 ઓકટોબર દરમ્યાન શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત નેશનલ અર્બન હાઉસિંગ કોન્કલેવ 2022નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વર્ષ 2015માં થયેલી શહેરી વિકાસ પરીકલ્પનાને પરિણામે આજે સ્માર્ટ આવાસો અને સ્માર્ટ સિટીનું નિર્માણ થઈ રહ્યું છે.