અનેક રજૂઆતો છતાં અધિકારીઓ કાળમીંઢ પથ્થર જેવા !
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે અતિ વરસાદથી લોકો જેટલા હેરાન નથી થયા તેનાથી વધારે જિલ્લા વહીવટી તંત્રની ગંભીર બેદરકારીના કારણે થયા છે. મોરબી શહેરના રસ્તા હોય કે જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સ્ટેટ માર્ગ મકાન વિભાગ હસ્તકના રોડ હોય ઠેર ઠેર મસમોટા ગાબડા અને જર્જરિત પુલિયાથી લોકો પરેશાન થયા છે. તંત્રને રજૂઆતોનો ધોધ વહાવ્યા છતાં અધિકારી જાણે કાળમીંઢ પથ્થર જેવાં, કોરાને કોરા રહે છે. જીલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગની બેદરકારી કહો કે લુચ્ચાઈ, અનેક રજૂઆત કરવા છતાં મંજૂર થયેલા બ્રિજનું સમયસર કામ ન કરવામાં આવતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો જાણે મોતના કૂવામાંથી વાહન લઈને નીકળતા હોય તેવી અનુભૂતિ કરાવે છે. આ વાત મોરબીના ગાળા ગામ પાસે આવેલ જર્જરિત પુલની છે. આ બ્રિજ પરથી ભારે વાહન નીકળી શકે એમ ન હોવા છતાં એક ટ્રક પસાર થવા ગયો હતો અને અહીં ફસાયો હતો, નાના વાહનો પણ નીકળી ન શકે તેવો આ માર્ગ બની ગયો છે.
- Advertisement -
ગાળા ગામે પાસે આવેલો પુલ જર્જરિત હોવાથી લાંબા સમયથી અહીં વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી જો કે ભારે વાહનો તો આ પુલ ઉપર નીકળી શકે એમ જ નથી પરંતુ નાના વાહનો નીકળે એટલી જગ્યા આ પુલ ઉપર છે. આ પુલ એકદમ જોખમી હોવા ઉપરાંત હાલ વરસાદી પાણી ભરાતા ઠેરઠેર ખાડા ખબડાં અને કાદવ કિચડથી વધુ બદતર હાલત હોવાની વચ્ચે અહીંથી નજીકના પીપળી રોડ ઉપર ટ્રાફિકજામ થવાથી બહારના એક ટ્રક ચાલકે શોર્ટકર્ટથી આ ગાળા ગામના પુલ ઉપર નીકળવાની કોશિશ કરી કે તરત જ આ ટ્રક પુલમાં ખુંપી ગયો અને એમાંથી નીકળવાની કોશિશ કરતા ટ્રક પુલ ઉપર વધુને વધુ બુરી રીતે ફસાતો ગયો હતો. હવે આ પુલને વધુ નુકસાન થયું હોય નાના વાહનોની નિકળવાની જગ્યા પણ ખરાબ થઈ જતા હવે નાના વાહનો માટે પણ પુલ જોખમી બની ગયો છે ત્યારે જોવાનું એ રહે છે કે તંત્રને વાહન ચાલકોની કઠણાઇ ક્યારે સમજમાં આવશે !