ભાવનગરમાં માધવ હિલ બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે. ફાયર વિભાગની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 20 જેટલા લોકોનું રેસક્યું કરાયું છે.
જૂનાગઢ બાદ ભાવનગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભાવનગર વાઘાવાડી રોડ પર આવેલા માધવ હિલ બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે. આ અંગેની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. ફાયરની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 20 લોકોના રેસ્ક્યુ કરાયા છે. હજુ 10થી 15 લોકો કાટમાળની નીચે દટાયા હોવાની આશંકા છે.
- Advertisement -
ઈજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલમાં
કાટમાળ હટાવવા માટે JCB મશીનની પણ મદદ લેવામાં આવી છે. તો ફાયરની ટીમની સાથે સ્થાનિકો પણ કાટમાળ હટાવવાની કામગીરીમાં જોડાયા છે. પોલીસ અને 108ની ટીમ પણ ઘટના સ્થળે હાજર છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગ ઘણા સમયથી જર્જરિત હતું.
આ બિલ્ડિંગમાં પ્રથમ ત્રણ માળમાં 200થી વધુ દુકાનો આવેલી છે. જ્યારે બિલ્ડિંગના 5 માળમાં રહેણાક ફ્લેટ આવેલા છે. અગાઉ આ જર્જરિત બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી. હજુ સુધી જાનહાનિના કોઇ સમાચાર નથી. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.