વોટ્સઅપમાં મેસેજ કરી મિત્રતા કેળવી મોટાવડા સાઈટ જોવાના બહાને લઇ ગયા
ષડયંત્ર રચી પૈસા મંગાવી લૂંટી લીધા : કામ પાર પડી જતાં સૂત્રધાર પણ ગાયબ થઈ ગયો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જીલ્લામાં વધી રહેલી ગુનાખોરી ડામવા પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે રાજકોટના મવડીમાં રહેતા યુવક સાથે મિત્રતા કેળવી ધોરાજીના શખ્સે રાજકોટના પાંચ મળતિયાઓ સાથે મળી કાવતરું ઘડી ગત 9 તારીખે મોટાવડા સાઈટ જોવાના બહાને લઇ જઈ ધમકી આપી 1,10,500 લુંટી લીધાની ફરિયાદ ગત 17 તારીખે મેટોડા પોલીસમાં નોંધાતા પોલીસે છ શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના મવડી પ્લોટમાં રહેતા અને મેટોડા કંપનીમાં પ્લાન્ટ હેડ તરીકે ફરજ બજાવતા વૃશ્વિક મુકેશભાઈ સગપરીયા ઉ.27એ નિકુંજ ગોંડલીયા, ઈરફાન, રાકેશ, તાજમહમદ, ચેતન અને દબંગ સામે લૂંટ અંગે ગત 17તારીખે મેટોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે નિકુંજએ વોટ્સઅપ મારફ્ત મેસેજ કરી વાતચીત ચાલુ કરતા મિત્રતા થઈ હતી દરમિયાન ગત 9 તારીખે મોટાવડા સાઈટ જોવા જવાનું કહી એક બંધ સાઈટના ફ્લેટ પર લઈ ગયેલ ત્યાં બંને વાતચીત કરતાં હતા ત્યારે જ અન્ય પાંચ શખ્સો ધસી આવ્યા હતા અને નિકુંજને બહાર લઈ જઈ મને ધમકાવી જો જીવતું જવું હોય તો જે હોય તે આપી દે તેમ કહી પાકીટમાંથી રોકડા 4000, તેમજ ગુગલ પે મારફ્ત પૈસા મંગાવવાનું કહેતા 50 હજાર મિત્ર સાવનભાઈ પાસેથી અને 40 હજાર મોટાબાપુના દીકરા મિલનભાઈ પાસેથી મંગાવ્યા હતા બાદમાં એટીએમનો પાસવર્ડ માંગી 66 હજાર તેમાંથી અને 40,500 ગુગલપેમાંથી કાઢી લુંટી લીધા હતા ત્યારે નિકુંજ પણ ગાયબ થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવતા મેટોડા પીઆઈ એસ એચ શર્મા અને ટીમે ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર મૂળ ધોરાજી હાલ રાજકોટમાં રહેતા નિકુંજ નરોતમભાઈ ગોંડલીયા, યોગેશ ઉર્ફે રાકેશ રામસિંગભાઈ સિંગર, તાજમહમદ સીદીકભાઈ કટિયા, કેતન ઉર્ફે ચેતન ઉર્ફે ચોટી મુકેશભાઈ દેગામા, ઈરફાન ઉર્ફે તલવાર મહમદભાઈ બુખારી અને ઈમરાન ઉર્ફે દબંગ મામદભાઈ સોઢાની ધરપકડ તમામ 1,10,500ની રોકડ કબજે કરી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ પકડેલ છ પૈકી તાજમહમદ અને કેતન સામે એક એક ગુનો અને ઈરફાન સામે 3 ગુના નોંધાઈ ચુક્યા છે આ ટોળકીનો કોઈ ભોગ બન્યું હોય તો તુરંત મેટોડા પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.