ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી શહેરીજનોની સુરક્ષા અને જાગૃતિને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકાના કલસ્ટર 01 નાની વાવડી, કલસ્ટર 02 – અમરેલી, કલસ્ટર 03 મહેન્દ્રનગર, કલસ્ટર 04 – ભડિયાદ, કલસ્ટર 10 – રવાપર, કલસ્ટર 09 – શક્ત શનાળા તેમજ પંચાસર રોડ પર આવેલ પમ્પિંગ સ્ટેશન ખાતે પબ્લિક એનાઉન્સમેન્ટ સીસ્ટમ એટલે કે સાઈરન લગાડવામાં આવ્યા છે.
- Advertisement -
કલસ્ટરમાં ફાળવેલ પબ્લિક એનાઉસમેન્ટ સિસ્ટમનો અસરકારક રીતે ઉપયોગ થઈ શકે તે માટે મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તમામ કલસ્ટરના નોડલ અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. આ પબ્લિક એનાઉસમેન્ટ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબી મહાનગરપાલિકામાં કોઈ પણ પ્રકારની ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અણધારી આપદા વિશે સાઇરન વગાડીને જાણ કરી શકાય તેમજ નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાનહાની કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન – માલને બચાવી શકાય. ત્યારે આવી કોઈ દુર્ઘટના થયે મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ 02822-230050 અને 101 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.