આજે ફરી સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. સતત બીજા દિવસે 50 રૂપિયાનો વધારો થતાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2820થી વધીને 2870એ પહોંચી ગયો છે.
રાજ્યમાં સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે ફરી સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સતત બીજા દિવસે 50 રૂપિયાના ભાવવધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ 2870 રૂપિયાએ પહોંચ્યો છે. જ્યારે અન્ય તેલોના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. એકબાજુ લગ્નની સિઝન ચાલી રહી છે એવામાં સિંગતેલમાં ભાવવધારો જનતા માટે માથાના દુ:ખાવો સાબિત થઈ રહ્યો છે. સિંગતેલમાં વધારો થતાં મોંઘવારીમાં પિસાતી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. મહત્વનું છે કે ગઈકાલે પણ સિંગતેલના ભાવ વધ્યા હતા. ગતરોજ સિંગતેલના ભાવમાં રૂપિયા 50નો વધારો થયો હતો.
- Advertisement -
છેલ્લા 3 દિવસમાં ડબ્બામાં 130થી 140 રૂપિયાનો વધારો
સતત બીજા દિવસે ડબ્બામાં 50 રૂપિયાનો વધારો થયો છે. 2 દિવસમાં સિંગતેલમાં ડબ્બે 100 રૂપિયાનો ભાવ વધારો થયો છે. તો છેલ્લા 3 દિવસમાં ડબ્બામાં 130થી 140 રૂપિયાનો વધારો થયો છે. જે બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 2820થી વધીને 2870 સુધી પહોંચ્યો છે. છેલ્લા થોડા દિવસમાં ચીન દ્વારા સીંગતેલની માગ વધતા ભાવ વધારો થયો છે. તો કેટલાક વેપારીઓ મગફળીની આવક ઓછી છે એટલે સિંગતેલ મોંઘુ બન્યું હોવાનું જણાવી રહ્યા છે.
‘મગફળીની આવક ઓછી છે એટલે સિંગતેલ મોંઘુ બન્યું’
મગફળીના ભાવમા ઉછળો જોવા મળતા મગફળીનો સ્ટોક કરી દેવામાં આવે છે જેથી મગફળી પુરતા પ્રમાણમા મળતી નથી અને તેલના ભાવમાં ઉછાળો જોવા મળે છે. રાજકોટના તેલના વેપારી ભાવેશ પોપટે વીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મગફળીના ભાવ છેલ્લા દિવસોમાં ખાસ્સા વધ્યા છે, સારી મગફળી બજારમાં મળતી નથી જેથી સારુ તેલ વેચનારા મિલરો પોતાની મિલ બંધ કરી બેસી ગયા છે. કેમ કે, તેને મગફળીના ઉંચા ભાવ પોશાય તેમ નથી. સારી મગફળી 1500 રુપિયાથી નીચે મળતી નથી. ઉંચાભાવ થતા અમુક લોકોએ મગફળીનો મબલક સ્ટોક કરી લીધો છે. આવનારા દિવસોમા મગફળીના ભાવ હજુ વધી શકે તેમ છે. જેથી કરીને સંગ્રહ કરનારાઓને મગફળીમાં ઉંચા ભાવની લાલચ છે ત્યારે તે લોકો વેચશે એટલે ફરી ગાડી પાટે ચડી જશે પરંતુ મગફળીના ભાવ વધશે તો તેલ પણ મોંઘુ મળશે. ટૂંકમાં મગફળીની આવક ઓછી છે એટલે સિંગતેલ મોંઘુ બન્યું છે.