-આ યાદીમાં ચીનનું શાંઘાઈ બીજા ક્રમે અને હોંગકોંગ ત્રીજા નંબરે
એક સમયે વિશ્વના મોંઘા શહેરોમાં અમેરિકા અને બ્રિટનના શહેરોનો દબદબો રહેતો હતો. જો કે, હવે ચિત્ર થોડું બદલાયું છે. દુનિયાના ટોપ-10 લકઝુરીયસ શહેરોમાં અમેરિકા, બ્રિટનના શહેરોના નામ તો છે, પણ યાદીમાં પ્રથમ ત્રણ શહેર એશિયાના છે. સિંગાપોરે લકઝુરિયસ જીવનશૈલી સાથે વિશ્વના સૌથી મોંઘા શહેરોના લિસ્ટમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.
- Advertisement -
સ્વિસ વેલ્થ મેનેજર જુલિયસ બેર ગ્રુપના અહેવાલ મુજબ સિંગાપોર ગયા વર્ષે લિસ્ટમાં પાંચમા સ્થાને હતું. જો કે, હવે તે વિશ્વના ધનાઢયોની પસંદગીનું સ્થળ બની રહ્યું છે અને પહેલી વખત વિશ્વના મોંઘા શહેરોમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. બીજા અને ત્રીજા ક્રમે પણ એશિયાના દેશોના જ શહેર છે. દુનિયાના સૌથી ખર્ચાળ શહેરોની યાદીમાં ચીનના શાંઘાઈએ બીજું અને હોંગકોંગે ત્રીજુ સ્થાન મેળવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વખતે સિંગાપોર સરહદ ખોલનાર પહેલો દેશ બન્યો હતો. છેલ્લા કેટલાક સમયમાં આ દેશમાં હાઈ નેટવર્થ ઈન્ડીવિજયુઅલ્સનો ભારે ધસારો નોંધાયો છે. 2022 સુધીમાં સિંગાપોર ખાતે ફેમીલી ઓફીસની સંખ્યા વધીને લગભગ 1500 થઈ છે. તે અગાઉના વર્ષની તુલનામાં બમણો વધારો દર્શાવે છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર ‘ઉંચી જીવનશૈલી અને સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રકચરની આસમાને પહોંચેલી માંગને કારણે અહીં જીવન સસ્તું નથી.’ એશિયા સતત ચોથા વર્ષે લકઝુરીયસ જીવનશૈલી ધરાવતા વિસ્તારોમાં મોખરે રહ્યું છે.
- Advertisement -
વિશ્વના ટોપ-10 મોંઘા શહેર
► સિંગાપોર
► શાંઘાઈ
► હોંગકોંગ
► લંડન
► ન્યુયોર્ક
► મોનેકો
► દુબઈ
► તાઈપેઈ
► સાઓ પાઓલો
► મિયામી